સામખિયાળી અને જવાહર નગરમાં જુદા જુદા બે અકસ્માત માં 3 ના મોત, એક ઈજાગ્રસ્ત
પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો ચાલુ રહ્યો હોય તેમ સામખિયાળી પાસે આઈશર ટેમ્પો પલ્ટી મારી જતા બે ના મોત નીપજ્યા હતા, જયારે જવાહર નગરમાં રસ્તો પાર કરતા યુવાનનું કારની ટક્કર વાગતા મોત નીપજ્યું હતું.
લાકડિયા બાજુથી પૂરપાટ આવતા ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો
ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક ત્રિભેટે આઈસર ટેમ્પો પલટી જતાં વાહનમાં સવાર ગંગારામ ઉર્ફે ગંગુ રુલસવા ભંગવાળિયા (ઉ.વ. 30) તથા સુનીલ ભલસિંહ બઘેલ (ઉ.વ. 26) નામના યુવાનનાં મોત થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
લાકડિયા બાજુથી પૂરપાટ આવી રહેલા ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં વાહન બેકાબૂ બનીને ગુલાંટ મારી હતી.
ગડથોલાં ખાઈને આ વાહન મોરબી-સામખિયાળી માર્ગ ઉપર જઈને પડયું હતું, જેમાં ગંભીર ઈજાઓના પગલે ગંગારામ તથા સુનીલનાં મોત થયાં હતાં, જ્યારે હિતેન રતનસિંહ બઘેલને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. ટેમ્પોએ ગુલાંટ મારતાં અમદાવાદથી માતાના મઢ જઈ રહેલી કાર પરથી ટેમ્પો ઘસડાઈને પસાર થતાં કારમાં નુકસાન થયું હતું. જો કે, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. એક તબક્કે તેમનો જીવ તાળવે ચોંટયો હતો. ચમત્કારિક બચાવ થતાં તેમણે રાહતનો દમ લીધો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જવાહર નગર પાસે બસે અડફેટમાં લેતાં યુવાનનું મોત નીપજ્યું
પડાણામાં ગુપ્તા ટિમ્બરમાં હેલ્પર તરીકે કામ કરનાર તલ્લુ ઢેલા (ઉં. વ. 25) નામના યુવાનનું ગઈકાલે મોત થયું હતું. આ યુવાન જવાહરનગર પંચરત્ન માર્કેટ સામેના ભાગેથી માર્ગ ઓળંગી રહ્યો હતો, ત્યારે ટ્રાવેલ્સે તેને હડફેટમાં લેતા ગંભીર ઈજાઓના પગલે તેણે જીવ ખોયો હતો.