ગુજરાતમાંથી ૩,૦૦૦ ટનથી વધુ કેરીની નિકાસ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
5 Min Read

ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી

  • રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૫૬ મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ; ગત પાંચ વર્ષમાં કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ
  • ગુજરાતમાં ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના ૩૭ ટકા વિસ્તારમાં (૧.૭૭ લાખ હેક્ટર) માત્ર કેરીની ખેતી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
  • બાવળા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા આ વર્ષે ૨૨૪ મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરાઈ

ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે.

ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે બોલબાલા અને માંગ સતત વધી રહી છે.

આ સંદર્ભે કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. કેરીની વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાતમાં કેરી-આંબાની ખેતીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.

CM Patel.jpg

જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ ૪.૭૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી ૧.૭૭ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર એટલે કે, ૩૭ ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના પરિણામે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૩૮,૦૦૦ હેક્ટર, નવસારી જિલ્લામાં ૩૪,૮૦૦ હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮,૪૦૦ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૧૨,૦૦૦ હેક્ટર તેમજ સુરત જિલ્લામાં ૧૦,૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે કેસર કેરીને GI ટેગ એટલે કે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયો છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

Kesar keri.jpg

બાવળા ઈરેડિયેશન યુનિટ દ્વારા ગત પાંચ વર્ષમાં ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન-નિકાસ કરાઈ

અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા આ વર્ષે આશરે ૨૨૪ મેટ્રિક ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. બાવળા ખાતે સ્થિત આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ ખાતેથી આશરે ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવે છે અને તેનો નિકાસ કરીને તેમના ફળનો ઉત્તમ ભાવ મેળવી રહ્યા છે.

કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવા ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્લેક્ષ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એમાં પણ USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓનાં સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાણવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળવાનો શરુ થયો છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.