કચ્છમાં જુદા-જુદા ૪ અકસ્માતોમાં મહિલા સહિત ૪ના મોત નીપજ્યા
નવરાત્રિ નિમિત્તે કચ્છના માર્ગો પદયાત્રીકોથી ઉભરાઈ રહ્યા છે, તે વચ્ચે વાહનોની પણ અવર-જવર રહેતી હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. કચ્છમાં જુદા-જુદા ૪ અકસ્માતોમાં મહિલા સહિત ૪ના મોત નિપજ્યા હતા.
રવાપર પાસે સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત
રવિવારે સાંજના સમયે માતાના મઢથી દર્શન કરીને એક પુરૂષ તેમજ મહિલા બાઇક પર સવાર થઇને પરત ફરી રહ્યા હતા.આ દરમ્યાન રવાપરની કે.એસ.પટેલ હાઇસ્કુલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણી ટ્રકે બાઇકને હડફેટે લેતાં મહિલા, પુરૂષ તેમજ બાળક ઘવાયા હતા. જેમાં મહિલાના શરીર પરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે બનાવની જાણ થતાં જ નખત્રાણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને નખત્રાણા લઇ જવામાં આવ્યો હતો. નખત્રાણા પોલીસ દ્વારા મહિલાનું નામ કે પરિવારના સભ્યો અંગે હાલ કોઇ વિગતો આપવામાં આવી નથી.
કંડલા પોર્ટમાં ક્રેન તળે શ્રમજીવી આવી જવાથી મોત નીપજ્યું
કંડલા પોર્ટમાં ક્રેન ઓપરેટરની બેદરકારીના પગલે શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ભીખારામ અમરારામ પરમાર (ઉ.વ.૪૭) કે જેઓ દીનદયાળ પોર્ટની કાર્ગો જેટી નં.૧૪ની સામે રાત્રે ૨:૩૦ વાગ્યાના અરસામાં કામ કરી રહ્યા હતા.આ દરમ્યાન ક્રેન નં.૨ લીબેર કંપનીના ઓપરેટરે ક્રેનને બેદરકારીપૂર્વક રીતે ચલાવીને ભીખારામને હડફેટે લીધા હતા. જેમાં ક્રેનના ટાયર નીચે આવી જવાથી ભીખારામને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. તેથી હિંમતરામ ભગારામ પરમારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વીજશોકથી વૃદ્ધનું મોત
ગાંધીધામના હાઉસિંગ બોર્ડના એમ.જી.આઇ. વિસ્તારમાં બનાવ બન્યો હતો. જેમાં વૃદ્ધને વીજ શોક લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગતો અનુસાર વિદ્યાભૂષણ પ્રયાગ મહંતો નામના ૬૨ વર્ષીય વૃદ્ધ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરની પાણીની મોટર રિપેર કરતા હતા. આ દરમ્યાન તેમને બંને હાથમાં જોરદાર વીજશોક લાગ્યો હતો. તેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સામખિયાળી ટોલ નાકા પાસે કારે હડફેટે લેતા રાજસ્થાની યુવાનનું મોત નીપજ્યું
ભચાઉ તાલુકાના સામખિયાળી ટોલ નાકા પાસે પુરપાટ વેગે જતી કારે રાજસ્થાની યુવાનને હડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુળ રાજસ્થાનનો અને હાલ અંજાર તાલુકાના રતનાલમાં માધવ લોજીસ્ટીકમાં ત્રણેક વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો ઇશાનખાન હિંગોરજા નામનો યુવાન ૨વીવારે સવારે ટ્રક લઇને જતો હતો, ત્યારે સામખિયાળી ટોલ નાકાથી ૨૦૦ મીટર દુર તેની ગાડી સાઇડમાં પાર્ક કરીને ગાડી ચેક કરી રહ્યો હતો. આ દરમ્યાન પુરપાટ વેગે આવેલી કારે તેને હડફેટે લેતાં તેને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. સામખિયાળી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.