CPL 2026: 47 વર્ષીય કેપ્ટન ઇમરાન તાહિરનો જાદુ ચાલ્યો, ગયાના એમેઝોન વોરિયર્સે નોંધાવી સતત પાંચમી જીત
કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2026)ની 26મી મેચમાં ગયાના એમેઝોન વોરિયર્સે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખીને જમૈકા કિંગ્સમેનને 8 વિકેટે પરાસ્ત કર્યું છે. 47 વર્ષીય અનુભવી કેપ્ટન ઇમરાન તાહિરના કુશળ નેતૃત્વ હેઠળ ગયાનાની ટીમે વર્તમાન સિઝનમાં પોતાનો 100% વિજયી રેકોર્ડ અકબંધ રાખ્યો છે. આ સતત પાંચમી જીત સાથે ગયાના એમેઝોન વોરિયર્સે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને મજબૂત પકડ બનાવી લીધી છે. તાજેતરમાં જ ગ્લોબલ સુપર લીગ (GSL) ટાઇટલ સતત બીજી વખત જીત્યા બાદ તાહિરની બ્રિગેડ CPLમાં પણ અજેય રહીને વિરોધી ટીમો માટે મોટો પડકાર બની ગઈ છે.

રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઓપનરોનો ધમાકો
160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગયાના એમેઝોન વોરિયર્સને ઓપનરોએ આક્રમક શરૂઆત અપાવી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝ અને મવેન્દ્ર ડિંડ્યાલે પ્રથમ વિકેટ માટે માત્ર 4.3 ઓવરમાં 46 રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. ડિંડ્યાલે માત્ર 17 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 33 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
ત્યારબાદ રહેમાનુલ્લાહ ગુરબાઝે મોરચો સંભાળ્યો હતો અને શાઈ હોપ સાથે મળીને બીજી વિકેટ માટે 68 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી વિજયનો પાયો મજબૂત કર્યો હતો. ગુરબાઝે માત્ર 35 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન બનાવી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 12.2 ઓવરમાં 114 રન થઈ ચૂક્યો હતો.
શાઈ હોપ અને હેટમાયરની સમજદારીપૂર્વક બેટિંગ
ગુરબાઝના આઉટ થયા બાદ શાઈ હોપ અને શિમરોન હેટમાયરે કોઈપણ જોખમ લીધા વિના ટીમને લક્ષ્ય તરફ આગળ વધારી હતી. શાઈ હોપે સંયમપૂર્વક રમીને 39 રન બનાવી અણનમ રહ્યા હતા. બીજી તરફ, શિમરોન હેટમાયરે તકની લાભ ઉઠાવી માત્ર 17 બોલમાં 30 રનની તોફાની અણનમ ઇનિંગ રમીને ગયાનાને 17.2 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 160 રન બનાવી મેચ જીતાડી દીધી હતી.
હસન ખાનની તોફાની ફિફ્ટી છતાં જમૈકા સસ્તામાં સમેટાયું
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી જમૈકા કિંગ્સમેનની શાનદાર શરૂઆત થઈ ન હતી. ઓપનર માઝ સદકતે 35 બોલમાં 34 રન બનાવ્યા હતા, પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેનો ગયાનાની શિસ્તબદ્ધ બોલિંગ સામે ટકી શક્યા ન હતા. એક સમયે જમૈકાનો સ્કોર 83 રનમાં 5 વિકેટ થઈ ગયો હતો.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવેલા હસન ખાને એકલા હાથે લડત આપી હતી. હસન ખાને માત્ર 29 બોલમાં 2 ચોગ્ગા અને 6 વિરાટ છગ્ગાની મદદથી અણનમ 62 રન બનાવી ટીમને 20 ઓવરમાં 7 વિકેટે 159 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તે સિવાય કેસી કાર્ટી (18), કીમો પોલ (15) અને ઓડિયન સ્મિથ (13) રનનું યોગદાન આપી શક્યા હતા.
