૩૫ એન્જિનીયરો તથા ૧૨થી વધુ ડોક્ટરોનો પાયો ઘડનાર લુડવાની પ્રાથમિક શાળામાં હાલ ૫૦ ટકા શિક્ષકોની ઘટથી શૈક્ષણિક કાર્ય કથળ્યું
માંડવી તાલુકાનું લુડવા ગામ કે જ્યાં પાટીદાર સમાજની વસતી વધારે છે. લુડવા ગામની એકમાત્ર પંચાયતી પ્રાથમિક શાળા છે કે જેણે ભૂતકાળમાં ૩૫ જેટલા એન્જિનીયરો તથા ૧૨ થી વધારે ડોક્ટરોને પાયાનું શિક્ષણ આપ્યું હતું. હાલમાં એ શાળામાં ૫૦ ટકા જેટલી શિક્ષકોની ઘટના પરિણામે શૈક્ષણિક કાર્ય કથળ્યું છે.
શાળામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોનું શિક્ષણ ખોરંભે ચડ્યું
આ અંગે માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠકના પૂર્વ સદસ્ય સંજયભાઈ જાની એ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાનું લુડવા ગામ રાજ્યકક્ષાએ અતિશિક્ષીત અને વિકાસશીલ ગામ તરીકે ઓળખાય છે. જોકે આ ગામની પ્રાથમિક શાળાની હાલત હવે ચિંતાજનક બની છે. જેનું મુખ્ય કારણ શિક્ષકોની ગંભીર ઘટ છે. શાળામાં ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટેછ શિક્ષકોનું મહેકમ મંજુર થયેલું છે, પરંતુ હાલમાં માત્ર ૩ શિક્ષકો જ ફરજ બજાવે છે. જે પૈકી બે શિક્ષકોની જિલ્લા ફેર બદલી થઇ ગઇ છે, પરંતુ તેમને હજુ છુટા કરવામાં આવ્યા નથી. જો આ બે શિક્ષકોને છુટા કરવામાં આવે તો શાળામાં માત્ર એક જ શિક્ષક બાકી રહેશે. જેમના ભરોસે આખી શાળાનું શૈક્ષણિક કાર્ય ચલાવવું અશક્ય બની જશે.
માંડવી તાલુકાના અનેક ગામોની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરી દેવાઇ
કચ્છમાં તાજેતરમાં જ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં માંડવી તાલુકાના અનેક ગામોની પ્રાથમિક શાળાઓમાં એક શિક્ષકની ઘટ હોય તો તેને પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે લુડવા ગામની શાળાને પાંચ શિક્ષકોની જરૂર છે. જેની સામે હાલમાં માત્ર ત્રણ શિક્ષકો જ ઉપલબ્ધ છે. આ સ્થિતિના કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખોરવાઇ ગયું છે,અને વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ સજાયો છે.
શિક્ષકોની ઘટ નહીં પુરાય તો વાલીઓ દ્વારા અપાઇ આંદોલનની ચિમકી
લુડવાની પ્રાથમિક શાળાની આ દયનીય સ્થિતિને લઇને વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. તેમણે વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ઘટ પૂરી કરવાની માગ કરી છે. બાળકોના વાલીઓએ ચિમકી આપી હતી કે,જો શિક્ષણ વિભાગ દ્વારા તેમની માગણીઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ આંદોલન જેવા આશ્ચર્યજનક પગલાં ભરવા માટે મજબુર બનશે.
શિક્ષકોની ઘટ એ શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતા અને આયોજનનો અભાવ ઉજાગર કરે છે
આ અંગે માંડવી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સંજયભાઇ જાનીએ જણાવ્યું હતું કે, લુડવાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ એ શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતા તથા આયોજનનો અભાવ ઉજાગર કરે છે. રાજ્યકક્ષાએ નામના મેળવનાર લુડવા ગામની શાળામાં આવી પરિસ્થિતિ ચિંતાજનક છે. વહીવટી તંત્રે આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરીને શિક્ષકોની ઘટ પૂરી કરવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થતું અટકે અને ગામની શૈક્ષણિક પ્રતિષ્ઠા પણ જળવાઇ રહે