નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025 ની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન અને સુપરસ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025 ની ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. તેઓ 28 ઓગસ્ટે સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિચ ખાતે આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. નીરજ 2022માં પણ આ ટૂર્નામેન્ટ જીતી ચૂક્યા છે અને આ વર્ષે ફરીથી ચેમ્પિયન બનવા માટે તૈયાર છે. આ ફાઇનલમાં તેમને વિશ્વના ટોચના 6 ખેલાડીઓ તરફથી આકરો પડકાર મળશે.
ક્વોલિફાય થયેલા 7 ખેલાડીઓ અને નીરજનું પ્રદર્શન
નીરજ ચોપરાએ ચાર ક્વોલિફાઇંગ તબક્કામાંથી બેમાં ભાગ લઈને ચોથા સ્થાને રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સિઝનમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. મે મહિનામાં દોહા તબક્કામાં, તેમણે 90.23 મીટરનો થ્રો કરીને 90 મીટરનો આંકડો પાર કર્યો હતો, જોકે તેઓ જર્મનીના વેબર પછી બીજા સ્થાને રહ્યા. ત્યારબાદ, જૂનમાં પેરિસ તબક્કામાં, તેમણે 88.16 મીટરના થ્રો સાથે જીત મેળવી. આ પ્રદર્શનથી નીરજનું ફોર્મ અને ફિટનેસ સ્પષ્ટપણે જોવા મળે છે.
નીરજ સાથે ફાઇનલ માટે ક્વોલિફાય થયેલા અન્ય ખેલાડીઓમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ, કેશોર્ન વોલકોટ, જુલિયન વેબર, જુલિયસ યેગો, અને એડ્રિયન માર્ડારે નો સમાવેશ થાય છે. યજમાન દેશ તરફથી સ્વિટ્ઝર્લૅન્ડના સિમોન વિલેન્ડ ને પણ ટૂર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નીરજની વર્તમાન સિઝન અને આગામી પડકારો
નીરજ ચોપરાની છેલ્લી સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટ 5 જુલાઈએ બેંગલુરુમાં યોજાયેલી NC ક્લાસિક હતી, જ્યાં તેમણે 86.18 મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું હતું. વર્તમાન સિઝનમાં તેમણે કુલ 6 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેમાં 4 ટાઇટલ જીત્યા છે અને 2 માં રનર-અપ રહ્યા છે.
ડાયમંડ લીગની ફાઇનલ પછી, નીરજ માટે અન્ય એક મોટો પડકાર રાહ જોઈ રહ્યો છે. તેઓ 13 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના ટાઇટલનો બચાવ કરવા માટે મેદાનમાં ઉતરશે. નીરજ ચોપરાનું આ પ્રદર્શન ભારતીય રમતગમત માટે ગૌરવની વાત છે અને આશા છે કે તેઓ વધુ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે.