શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા, રાની મુખર્જી અને ‘એનિમલ’ને પણ સન્માન
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત દિલ્હીમાં કરવામાં આવી છે. આ પુરસ્કારો 2023માં રિલીઝ થયેલી ફિલ્મો માટે આપવામાં આવ્યા છે. આ વર્ષે બૉલીવૂડ માટે ખાસ રહી છે, કારણ કે અનેક જાણીતા કલાકારો અને ફિલ્મોએ દેશના સૌથી માનનીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે.
શાહરૂખ ખાનને તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ તેમની ફિલ્મી કારકિર્દીનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર છે, જે તેમના અનેક દાયકાના યોગદાન માટે ખૂબ મહત્વનો છે. આ ફિલ્મમાં તેમની બંને ભૂમિકાઓ – વિક્રાંત રાઠોડ અને આજાદ – માટે તેમને ખાસ વખાણ મળ્યા હતા.
વિક્રાંત મેસીએ 12th ફેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે.
આ ફિલ્મમાં તેમણે એક ગરીબ વિદ્યાર્થીથી લઈને IPS અધિકારી બનનાર મનોજ શર્માની પ્રેરણાદાયક યાત્રા દર્શાવી છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે, જે સિનેમાના માધ્યમથી સમાજમાં હકારાત્મક સંદેશ આપવાની દિશામાં મોટું યોગદાન છે.
અભિનેત્રી રાની મુખર્જીને તેમની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મમાં એક ભારતીય માતાની ભાવનાત્મક અને કાનૂની લડત દર્શાવવામાં આવી છે, જેમાં રાનીનું અભિનય ખૂબ જ અસરકારક રહ્યું છે.
ફિલ્મ ‘કેરળ સ્ટોરી’ ના દિગ્દર્શક સુદીપ્તો સેનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જે આ ફિલ્મની ઉજવણી છે કે જેણે સમાજમાં ચર્ચાસ્પદ મુદ્દા ઉઠાવ્યા હતા.
આ ઉપરાંત, રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ને શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇન માટે સચિન સુધાકરન અને હરિહરન મુરલીધરનને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ રાષ્ટ્રીય પુરસ્કારો ભારતીય સિનેમાના ઊંડા અભિગમ અને પ્રતિભાને ઉજાગર કરે છે. આ વર્ષેની પસંદગીઓથી એ સાબિત થાય છે કે હવે કન્ટેન્ટ આધારિત ફિલ્મો અને સરળ છતાં અસરકારક અભિનયને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.