નવી દિલ્હી : ચીનના વુહાન શહેરથી ઉદ્ભવેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વમાં 6,66,221 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, જયારે અત્યર સુધીમાં 30,864 લોકોને મોત ભરખી ગયું છે. ભારતની વાત કરીએ તો, ભારતમાં 1050 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 937 દર્દી સારવાર હેઠળ છે અને 86 લોકોને રિકવરી આવી ગઈ છે. ભારતમાં આ વાયરસને કારણે અત્યારસુધીમાં કુલ 27 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ સમગ્ર દેશમાં તારીખ 25 માર્ચથી 14 એપ્રિલ સુધી (21 દિવસ) લોકડાઉન છે. તંત્ર દ્વારા આ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા માટે વિવિધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ સાથે જ રાજકીય નેતાઓ, બૉલીવુડ સેલિબ્રિટી સહીત ખેલાડીઓ દ્વારા લોકડાઉનને સફળ બનાવવા માટે લોકોને પોતાના ઘરમાં જ રહેવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ વધુ એક ટ્વીટ કરીને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર એક નાનકડી બાળકીની તસવીર શેર કરી છે એન લખ્યું કે, ‘રસપ્રદ અને ખૂબ ઊંડાણપૂર્વકની લાગણી.’ હકીકતમાં આ બાળકીના હાથમાં એક પોસ્ટર છે જેમાં લખવામાં આવ્યું છે કે, ‘જો હું માંનાં ગર્ભમાં 9 મહિના રહી શકી છું, તો શું તમે ભારત માં માટે 21 દિવસ ઘરે ન રહી શકો ? ઘરે રહો, સુરક્ષિત રહો.’ નાનકડી બાળકીના હાથમાં રહેલું આ પોસ્ટર ઘણું કહી જાય છે અને તેમાં પૂછેલો નાદાન પ્રશ્ન પણ દરેકના દિલને પીગળાવી દે તેવો છે. ત્યારે આ તસવીર જોઈને ભારતીયો ઘર બહાર નીકળવાનું ટાળે અને ઘરમાં જ રહેવાનું પસંદ કરે તેવા આશય સાથે વડાપ્રધાન મોદીએ આ તસવીર શેર કરી છે.
दिलचस्प और भाव भी बहुत गहरा। pic.twitter.com/JhghaNaO8O
— Narendra Modi (@narendramodi) March 29, 2020
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ જે તસવીર શેર કરી છે તે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.