1 એપ્રિલથી દેશની 10 મોટી જાહેર ક્ષેત્રની બેંકોનું મરજર કરીને 4 મોટી બેંકો બનાવવામાં આવશે. પંજાબ નેશનલ બેંક (PNB) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંકમાં મર્જ કરશે. આ મર્જર પછી રચાયેલી બેંક દેશની બીજી સૌથી મોટી બેંક હશે. સિન્ડિકેટ બેંક કેનેરા બેંકમાં મર્જ થઈ જશે. મર્જર પછી તે દેશની ચોથી મોટી બેંક બનશે. યુનિયન બેંક આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકમાં મર્જ કરશે. મર્જર પછી રચાયેલી બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. મર્જર બાદ ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંક દેશની સાતમી સૌથી મોટી બેંક બનશે. જો તમારું ખાતું આમાંથી કોઈપણ બેંકમાં હોય તો નીચે આપેલા સવાલ-જવાબમાં સમજો કે તમારાં ખાતાં પર શું અસર થશે.
બેંકોના મર્જર પછી બેંક ખાતાંઓ પર શું અસર થશે?
બેંકોના મર્જરની સીધી અસર બચત ખાતાં, ચાલુ ખાતાં અને અન્ય પ્રકારના ખાતાઓ પર પડશે. મર્જર પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ બેંકોના અકાઉન્ટ ધારકોએ બેંકમાં જવું પડશે અને તેમની અત્યારની પાસબુક બદલાવીને નવી પાસબુક લેવી પડશે. મર્જર સાથે સંકળાયેલી તમામ બેંકોને સરકારે મર્જર પ્રક્રિયા દરમિયાન બેંકિંગ સેવાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
શું મર્જર પછી બેંક અકાઉન્ટ નંબર બદલાઈ જશે?
જો મર્જ થયેલ બેંકોના અકાઉન્ટ નંબરમાં સમાન અંકો રહ્યા તો અકાઉન્ટ નંબર બદલાશે નહીં. પરંતુ જો અકાઉન્ટ નંબરના અંકોની સંખ્યામાં કોઈ તફાવત હશે તો તે ચોક્કસપણે બદલાશે.
શું બેંકોની બ્રાંચ પણ બદલાઈ જશે?
મર્જર પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેમાં સામેલ બેંકોમાંથી કોઈ એક બેંકની બ્રાંચ જો એક જ વિસ્તારમાં એક કરતા વધુ જોવા મળે તો કેટલીક બ્રાંચ બંધ થઈ શકે છે. બીજીબાજુ, જો બેંકોની એક જ શહેરમાં આસપાસ બ્રાંચ હોય તો તેને પણ મર્જ કરવામાં આવશે.
જૂની ચેક બુક પર શું અસર થશે?
મર્જર પ્રક્રિયા પછી તેમાં સામેલ 10 બેંકોમાંથી 6 બેંકોના નામ બદલાશે અને જૂની બેંકના નામની ચેકબુક પણ કેન્સલ કરવામાં આવશે. તેની જગ્યાએ નવી ચેકબુક બહાર પાડવામાં આવશે. જો કે, આ કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવશે.
જૂનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું શું થશે?
આ પ્રક્રિયાથી મર્જરમાં સામેલ વિવિધ બેંકોના ગ્રાહકોને આપવામાં આવેલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સને અસર નહીં થાય અને તેઓ પહેલાની જેમ જ કામ કરવાનું ચાલુ રાખશે. જો કે, એકીકૃત બેંકો ઇચ્છે તો નવાં બ્રાંડિંગ હેઠળ ગ્રાહકોને નવાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરી શકે છે.
બેંકોની FD અને RD પર શું અસર થશે?
બેંકોના મર્જરની અસર વિવિધ ડિપોઝિટ સ્કીમ પર જે વ્યાજ દર ચૂકવવામાં આવે છે તેના પર પણ પડશે. મર્જર પહેલાના ગ્રાહકોની FD-RD વ્યાજના દરોને અસર નહીં થાય પરંતુ મર્જર પછી બનેલી બેંકોના વ્યાજ દર નવા ગ્રાહકો માટે એકસમાન હશે.
શું લોનના દરમાં કોઈ ફેરફાર થશે?
પહેલેથી જ ચાલતી વિવિધ પ્રકારની લોનનાં જૂના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, જેમ કે હોમ લોન, વાહન લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન.
શું બેંક ડિટેલ્સ વિવિધ જગ્યાઓએ અપડેટ કરવાની રહેશે?
મર્જરથી અસરગ્રસ્ત બેંકના ગ્રાહકોએ તેમના નવાં અકાઉન્ટ નંબર અને IFSCની ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે, જેમાં ઇન્કમ ટેક્સ, ઇન્શ્યોરન્સ કંપની, મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત દરેક જગ્યાએ અપડેટ કરાવવાના રહેશે. SIP અને EMIમાં પણ વિગતો અપડેટ કરાવવાની રહેશે.