માહિતી બ્યૂરો, વલસાડ, તા. ૨૮:
વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવતા વિવિધ તહેવારોને ધ્યાનમાં લેતાં વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જાળવવાના હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કમલેશ બોર્ડરએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૦૯/૦૩/૨૦૧૭ સુધી હથિયારબંધીના હુકમ જારી કર્યા છે. જે અનુસાર શષાો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, છરા, લાકડી કે શારીરિક હિંસા પહોંચાડતી બીજી ચીજો લઇ જવા, સ્ફોટક પદાર્થ લઇ જવા અને અપમાન કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવા અને જેનાથી સુરુચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની કે તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજો કોઇપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ પ્રતિબંધ સરકારી નોકર કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાની ફરજ હોય, જિલ્લા પોલીસ અધિક્ષકે અથવા તેમણે અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશકિતને કારણે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોઇ તેવી વ્યકિતઓને તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યકિતઓ તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં. આ હથિયારબંધીના હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.