નવી દિલ્હી : કોરોનો વાયરસ સામે દેશની લડત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ભારતીય રમત ગમત જગત પણ સમર્થન આપી રહ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ આજે (5 એપ્રિલ) સાંજે 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરોની લાઈટો બંધ કરી અને દીવા પ્રગટાવવા માટે કહ્યું છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટ સુપરસ્ટાર્સ તમામ દેશવાસીઓને તેના સમર્થનમાં એકતા બતાવવા અપીલ કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર સાંજે 9:00 વાગ્યે 9 મિનિટ માટે દીવો પ્રગટાવવા લોકોને અપીલ કરવા ટ્વીટ કરી છે.
વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, ‘સ્ટેડિયમની શક્તિ તેના ચાહકો છે, અને ભારતની તાકાત તેના લોકો છે, આજે રાત્રે નવ વાગ્યે. ચાલો દુનિયાને બતાવીએ કે આપણે બધા એક છીએ. આપણે આપણા આરોગ્ય યોદ્ધાઓને બતાવીએ કે આપણે તેમની પાછળ ઉભા છીએ. ટીમ ઈન્ડિયા.
આ પહેલા ટીમ ઈન્ડિયા વનડેના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ટ્વીટ કર્યું હતું કે, ‘આપણે તેને ખોટું કરી શકતા નથી, આપણું જીવન આ ટેસ્ટ મેચ જીતવા પર નિર્ભર છે, મારી સૌને અપીલ છે કે આ પ્રસંગે એકતા બતાવવી અને આજે રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવો પ્રગટાવીને કોરોના સામેની લડતમાં તમારું યોગદાન આપો, રોહિત શર્માએ આગળ પોતાની ટ્વિટમાં લખ્યું કે, શું તમે મારી સાથે છો….
ઉલ્લેખનીય છે કે, ભારતના કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હવે આ લડતમાં તમામ દેશવાસીઓની એકતા જરૂરી છે. કોરોના વાયરસ સામેના યુદ્ધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ રવિવાર (5 એપ્રિલ) ના રોજ નવ વાગ્યે તેમના ઘરની બધી લાઈટો બંધ કરે અને નવ મિનિટ સુધી તેમના હાથમાં દીવા, મીણબત્તીઓ અથવા મોબાઇલ ફ્લેશ લાઇટ્સ રાખે. તમારા ઘરના દરવાજા અથવા બાલ્કની પ્રગટાવીને કોરોના સામેના ભારતના યુદ્ધમાં એકતા બતાવો.