નલિયા સેક્સ કાંડ બહાર આવ્યા બાદ સમગ્ર ઘટનાની તપાસ માટે નીમાયેલી ૫ સભ્યોની સત્ય શોધક સમીતીએ તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, કચ્છમાં ભાજપના સુપરવિઝન હેઠળ એક શૈક્ષણીક સંકુલમાં નલીયાની પીડીતા સહીત અન્ય ૩૫ યુવતીઓનું ૬૫ જણાએ જાતીય શોષણ કર્યુ હતું.આ પ્રકરણમાં અત્યાર સુધી નલીયાનો સફેદ બંગલો, મોથાળા ફાર્મ હાઉસ નખત્રાણા, ભૂજ, ગાંધીધામની હોટલોના નામ બહાર આવેલ. હવે, શૈક્ષણીક સંકુલનુ નામ ખુલતા નવો ઘટસ્ફોટ થયો છે આ સમિતીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂતિની અધ્યક્ષતામાં નલીયા કાંડની તપાસ કરવા ન્યાય મૂર્તિ સમક્ષ અરજ કરી છે.
રાપર નીલપરગ્રામ સ્વરાજ સંઘના મૌવડી દિનેશ સંઘવી, અમદાવાદ વુમન્સ એકશન ગ્રુપના ડો. ઝરણા પાઠક, ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનના મિનાક્ષી જોશી, એડવોકેટ શબાના મન્સુરી અને રાજકોટમાં પીપલ્સ યુનિયન ઓફ સીવીલ લીબર્ટીઝ નામની સંસ્થા ચલાવતા બાલેન્દુ વાઘેલાની બનેલી સત્ય શોધક સમીતીએ કોઠારામાં પીડીતા અને તેના માતા – પિતા સહિત ઘટના સાથે સંકળાયેલ લોકોને મળી આ અહેવાલ તૈયાર કરેલ છે. આ સમિતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશને કરેલી અરજીમાં અનુરોધ કર્યો છે કે આ કેસની તપાસ ૩ મહિનામાં પૂર્ણ થવી જોઇએ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા ૧૨ નેતાઓની સીડી કે જે વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને સુપ્રત કરી છે તે મેળવી તપાસ થવી જોઇએ. આ રિપોર્ટમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા સામે ગુનેગારોને આશ્રય આપવા બદલ સજા થવી જોઇએ. તેવી ભલામણ કરાઇ છે.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પાસે નલીયા કાંડની તપાસ કરાવવા પણ રજૂઆત કરાઇ છે.ઉપરાંત આ બાબતે રાષ્ટ્રપતિને અપાયેલા આવેદનપત્રમાં લેખક પ્રકાશ શાહ, દર્પણ એકેડેમીના મલિકા સારાભાઇ, અર્થશાસ્રી ઇન્દિરા હીરવે, પ્રો. રોહિત શુકલ, ગાંધીવાદી ઇન્દુકમાર જાની, દલિત ચળવળકાર મંજુલા પ્રદીપ, ગુજરાત હાઇકોર્ટના વકીલ ગિરીશ પટેલ તથા વરિષ્ઠ સમાજશાસ્રી ઘનશ્યામ શાહે સહી કરી સમર્થન આપ્યું છે.