8 એપ્રિલે હનુમાન જયંતી છે. ચૈત્ર પૂનમે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. રામાયણના સુંદરકાંડમાં હનુમાનજીએ જણાવ્યું કે, જ્યારે આપણને સફળતાં મળે ત્યારે આપણે શાંત થઇ જવું જોઇએ. આપણી સફળતાની વાત કોઇ અન્ય જણાવે તો માન-સન્માનમાં વધારો થાય છે. લંકા બાળીને સીતાજીને રામજીનો સંદેશ આપ્યાં બાદ હનુમાનજી પાછા ફર્યા તે તેમની સફળતા હતી. હનુમાનજી ઇચ્છતાં તો આ સફળતા વિશે સ્વયં તેઓ શ્રીરામજીને જણાવી શકતાં હતાં. પરંતુ હનુમાનજી જે કરીને આવ્યાં, તેમની ગાથા શ્રીરામને જામવંતે સંભળાવી હતી. જામવંત શ્રીરામને કહે છે- હે નાથ! પવનપુત્ર હનુમાનજી જે કરીને આવ્યાં છે, તેનું વર્ણન હજાર મુખોથી પણ કરી શકાય નહીં. ત્યારે જામવંતે હનુમાનજીના સુંદર ચરિત્ર (કાર્ય) શ્રીરઘુનાથજીને સંભળાવ્યું. સફળતાની કથા સાંભળ્યા બાદ શ્રીરામચંદ્રના મનને હનુમાનજી ખૂબ જ સારા લાગ્યાં. તેમણે પ્રસન્ન થઇને હનુમાનજીને હ્રદયે લગાવી લીધા. પરમાત્માના હ્રદયમાં સ્થાન મળી જવું જ સૌથી મોટો પુરસ્કાર છે.