વડોદરામાં મનસુખનું પરાક્રમઃ પબ્લીક ટ્રસ્ટને ફેમિલી ટ્રસ્ટ બનાવી નાખ્યું!
ડીગ્રી એનાયત વખતે મોટા માથાઓ હાજર રહેતા હતા.
વડોદરાની સુમનદિપ વિદ્યાપીઠમાં પૈસા લઇને ડોકટરો તૈયાર કરાતા હોવાના સનખેજ ભોપાળાના પર્દાફાશ બાદ આખા કૌભાંડના સૂત્રધાર મનસુખ શાહના એકપછી કારનામા બહાર આવી રહ્યા છે ત્યારે મળતા અહેવાલો અનુસાર સુમનદિપ વિદ્યાપીઠ યુનિવર્સીટી બનાવવા સંચાલક મનસુખ શાહે પબ્લીક ટ્રસ્ટને પરીવાર ટ્રસ્ટ બનાવી ખેલ કર્યો હતો એટલું જ નહી પરંતુ ચેરીટી કમિશનરે પણ તેના ઉપર મંજૂરીની મહોર મારી દીધી હતી. મનસુખ શાહે કે.એમ.ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી તેમાં તેમના ફેમિલી જનોને જ ટ્રસ્ટી બનાવ્યા હોવાની વાત સામે આવી છે પીપળીયા ગામે સુમનદિપ વિદ્યાપીઠ શરૂ કરી ડિમ્ડ યુનિવર્સીટી બનાવવા માટે તેમણે કે.એમ. ચેરીટેબલ ટ્રસ્ટનું નામ બદલી સુમનદિપ વિદ્યાપીઠ શરૂ કરી તેની તમામ મિલ્કતો તબદીલ કરવાની કામગીરીમાં પણ ગેરરીતી થઇ હોવાનું કહેવાય છે અને ૨૦૦૬ થી લઇ આજ સુધીની તપાસ દરમ્યાન કેટલીક વિગતો બહાર આવે તેવી સંભાવના વ્યકત કરાઇ રહી છે. એટલુ જ નહી દર વર્ષે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાના નામે યોજાતા પદવીદાન સમારોહમાં શિક્ષણ જગતના જાણીતા નામો પણ હાજર રહેતા હતા અને તે રીતે ઉંચે સુધી તેના કોન્ટેકટ હોવાથી તે આસાનીથી પૈસા પડાવતો હતો અને શિક્ષણ ક્ષેત્રે મોટું કૌભાંડ આચરતો હોવાની વાતો પણ ઉછળી રહી છે.
અલબત્ત મનસુખ એન્ડ કંપની સામે ચાલુ રહેલી તપાસમાં વિદેશોમાં તેના નાણાનું રોકાણ થયું હોવાની શકયતાના આધારે ઇડીના અધિકારીએ પણ આ મામલે તપાસ કરે તેવી શકયતા વ્યકત થઇ રહી છે.