નવી દિલ્હી : કોરોના રોગચાળાના સતત વધતા જતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે. બુધવારે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સામેની લડાઈ લાંબી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશની યોગી સરકારે પણ મોટો નિર્ણય લીધો છે.
રાજ્યમાં આજે (8 એપ્રિલ) રાત્રે 12 વાગ્યાથી 15 જિલ્લાઓના હોટસ્પોટ વિસ્તારોને સીલ કરવામાં આવશે. લોકોને આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારનાં કામ માટે બહાર જવાની મનાઈ રહેશે. ખૂબ જ મહત્વપૂર્ણ ચીજો પૂરા પાડવા માટે ફક્ત હોમ ડિલિવરી હશે. નોંધનીય છે કે, નોઈડામાં 12 હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવી છે.
યોગી સરકારના આ નિર્ણય પછી, નોઈડામાં લોકો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ (સામાજિક અંતર)ને તોડતા જોવા મળ્યા હતા. લોકો બજારોમાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દોડી ગયા હતા. આ સમય દરમિયાન, છૂટક દુકાનની સાથે વેપારીની દુકાન પર ભીડ એકઠી થઈ ગઈ હતી, અને માલની ખરીદી માટે ધક્કામુક્કી કરવાનું કરવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન, ગૌતમ બુધ નગરના ડી.એમ.એ જનતાને અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેની ચિંતા કરવાની જરૂર નથી. જિલ્લામાં તમામ સ્થળોએ જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓની હોમ ડિલિવરી મળશે. તેમણે કહ્યું કે ઓળખાયેલી હોટસ્પોટને સીલ કરવામાં આવશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.