નવી દિલ્હી : આખું વિશ્વ કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહ્યું છે. આ જીવલેણ વાયરસને કારણે ભારતમાં 3 મે સુધી લોકડાઉન છે. આને કારણે લોકોનું કામ અટકી પડ્યું છે અને લોકોને ઘરોમાં કેદ કરવામાં આવ્યા છે. પરંતુ આ લોકડાઉનના સમયમાં એક યુવકે લગ્ન માટે હજાર કિલોમીટર લાંબી સફર પૂર્ણ કરવાનું નક્કી કર્યું. એ જુદી વાત છે કે તેના ગંતવ્ય પર પહોંચતા પહેલા યુવકને પકડી લેવામાં આવ્યો હતો અને તેને ક્વોરેન્ટાઇન કરાયો હતો.
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટર પહોંચેલા સોનુ કુમાર ચૌહાણ લગ્ન પણ કરી શક્યો નહીં. સોનુકુમાર ચૌહાણ મહારાજગંજ જિલ્લાના પીપરા રસુલપુર ગામનો રહેવાસી છે. તે પંજાબના લુધિયાણામાં ટાઇલ્સનું કામ કરે છે.
લોકડાઉન થયા બાદ કામ અટકી ગયું ત્યારે સોનુકુમાર ચૌહાણે તેના ઘરની ચિંતા કરવાનું શરૂ કરી દીધું હતું. સોનુ કુમારના લગ્ન પણ 15 એપ્રિલના રોજ નક્કી થયા હતા. તેના લગ્ન તેના ગામથી આશરે 25 કિમી દૂર થવાના હતા.
સોનુ તેના અન્ય ત્રણ સાથીઓ સાથે સાયકલ પર લુધિયાણા જવા રવાના થયો હતો. છ દિવસમાં આશરે 850 કિ.મી.નું અંતર કાપ્યા બાદ સોનુ તેના સાથીદારો સાથે બલરામપુર પહોંચ્યો, જ્યાં પોલીસે તેને અને તેના સાથીઓને અટકાવ્યા. પોલીસે તેમને વધુ આગળ જવાની પરવાનગી આપી નહીં.
સોનુ તેના ચાર સાથીદારો સાથે બલરામપુરમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. હાલમાં સોનુ બલરામપુરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં છે. સોનુએ લગ્નનો હવાલો આપીને ઘરે જવાની પરવાનગી માંગી, પરંતુ પોલીસ-વહીવટી તંત્રે તેની વાત સાંભળી નહીં.
સોનુ કહે છે કે, જો અમે ઘરે પહોંચ્યા હોત, તો પછી કોઈ ધામધૂમ વગર લગ્ન થઇ ગયા હોત. પરંતુ હવે લગ્નની તારીખ પણ પસાર થઈ ગઈ છે. જોકે, સોનુનું માનવું છે કે જીવંત રહેવું મહત્વપૂર્ણ છે. લગ્ન તો પછી પણ થઇ જશે.