બેંગલુરુ : કોરોના વાયરસ રોગચાળાને કારણે હાલમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. લોકોને ઘરની બહાર ફરવા જવા પર, ધાર્મિક મેળવડા, લગ્ન પ્રસંગો તેમજ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે, પરંતુ લોકડાઉન આ બંધનને અવગણીને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી શુક્રવારે (17 એપ્રિલ) લગ્નના બંધનમાં બંધાયો છે. નિખિલે બેંગલુરુના રામનગરમાં ખૂબ શાહી રીતે લગ્ન કર્યા હતા, જ્યાં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ હતો.
લગ્ન વિશે પણ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ લોકોને દેશભરમાં સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સ)નો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આ પ્રકારની વીવીઆઈપી ટ્રીટમેન્ટ જોવા મળી રહી છે.
એચ.ડી.કુમારસ્વામીના પુત્ર નિખિલે કોંગ્રેસ સરકારમાં પ્રધાન એમ.કૃષ્ણપ્પાની ભત્રીજી રેવતી સાથે લગ્ન કર્યા છે. રામનગરના ફાર્મ હાઉસમાં શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયાને જવાની મંજૂરી ન હોવા છતાં સ્થળ પર આશરે 30-40 વાહનોનો મેળો જોવા મળ્યો હતો.
સ્થાનિક પોલીસે જણાવ્યું કે કેટલીક ગાડીઓના રજિસ્ટ્રેશન નંબર પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા, ફક્ત તે વાહનોને જ કાર્યક્રમમાં જવા દેવામાં આવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે લોકડાઉનને કારણે કેન્દ્ર સરકારે જારી કરેલા માર્ગદર્શિકા અનુસાર, આ દરમિયાન કોઈ મોટા કાર્યક્રમોને મંજૂરી આપવી જોઈએ નહીં. જો કે, જ્યારે એચડી કુમારસ્વામીને આ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે લગ્નને લઈને તેમની પાસે તમામ પ્રકારની પરવાનગી છે. આ સિવાય ડોકટરોની અનેક પ્રકારની સલાહ પણ લેવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ લગ્નમાં ફક્ત 70 થી 100 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. વળી, રાજ્ય સરકાર દ્વારા લગ્નની વિડીયોગ્રાફી કરવામાં આવી છે, જેના દ્વારા સામાજિક અંતરને અનુસરવામાં આવે છે કે નહીં તેની દેખરેખ રાખવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે શુક્રવાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના 300 થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 13 લોકોનાં મોત નીપજ્યાં છે.