અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 1021 પર પહોંચી ગયો છે. તેમાંથી અમદાવાદમાં જ 590 કેસ નોંધાયા છે. ગુજરાતના કોરોના પોઝિટિવ કેસોના 59 ટકા કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે. રેડ હોટસ્પોટ ઝોનમાં આવેલા અમદાવાદમાં છેલ્લા 5 દિવસ દરમિયાન દર 24 મિનિટે 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
રાજ્યના મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) જયંતી રવિએ જણાવ્યું હતું કે, ડોકટરો સહિત 26 સરકારી કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે (16 એપ્રિલ) સાંજ સુધીમાં એલજી હોસ્પિટલ સ્ટાફ અને જીએમઆઈઆરએસ સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફના પુષ્ટિ થયેલા કેસો પણ સામે આવ્યા હતા.
અમદાવાદમાં છેલ્લા 6 દિવસમાં 347 નવા કેસ નોંધાયા છે. અહીં પહેલાથી જ 243 દર્દીઓ હતા. નવા દર્દીઓનો આ આંકડો દર 24 મિનિટમાં એક પોઝિટિવ કેસના દરે વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પરિસ્થિતિની ગંભીરતા અંગે લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, ‘સંજોગો જોતાં અહીંનો દૈનિક આંકડો પણ 100 ને પાર કરી શકે છે. હું તમામ લોકોને વિનંતી કરું છું કે કરફ્યુ અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરો. જ્યાં સુધી ખૂબ જરુરી ન હોય ત્યાં સુધી ઘર ન છોડો. ‘
ગુજરાતના કુલ 1021 દર્દીઓમાંથી 590 દર્દીઓ અમદાવાદમાં છે. આ આંકડો 58 ટકા છે. બીજી તરફ, અમદાવાદમાં મૃત્યુનું પ્રમાણ સમગ્ર રાજ્યના 49 ટકા છે. રાજ્યમાં 38 લોકોના મોટ નિપજ્યા છે, જેમાં અમદાવાદમાં 19 દર્દીનાં મોત થયા છે. અમદાવાદમાં મોટાભાગના નવા કેસો જુહાપુરા, કાલુપુર, જમાલપુર, બેહરમપુરા, દનાલીમાડા, બોડકદેવ, ગોમતીપુર અને મેઘનીનગરથી આવ્યા છે, જે સંક્રમિત સ્થળો તરીકે ઓળખાય છે. ગુજરાતના 3 જિલ્લામાંથી 8 જિલ્લામાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી.