નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટના જસ્ટીસ કરનનને સુપ્રિમ કોર્ટે અનાદરના ગુનામાં દોષી ઠેરવ્યા છે. તેમને કોર્ટે ૬ મહિનાની જેલની સજા ફરમાવી છે. આ સજા સુપ્રિમ કોર્ટની સાત જજોની સંવિધાન પીઠે ફરમાવી છે. સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના ડીજીપીને જસ્ટીસ કરનનની તરત ધરપકડ કરીને જેલ મોકલવાનો આદેશ પણ આપ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ વર્તમાન જજ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે આ સાથે જ મીડિયા માટે આદેશ જાહેર કર્યો છે કે તે જસ્ટીસ કરનનનું નિવેદન નહી ચલાવે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ કરનને સોમવારે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા અને તેમના ૬ સાથી જજોને SC/ST એક્ટની જોગવાઈઓ અંતર્ગત દોષી ઠેરવીને પાંચ વર્ષની સજાના આદેશ આપ્યા છે.
૧લી મેએ સુપ્રિમ કોર્ટના સાત જજોની સંવિધાન પીઠે જસ્ટીસ કરનનની માનસિક તપાસ માટે મેડીકલ બોર્ડની રચનાના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે કોલકાતાના સરકારી હોસ્પિટલના મેડીકલ બોર્ડ ૪થી મેએ જસ્ટીસ કરનનની તપાસ કરશે. સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના ડીજીપીને મેડીકલ બોર્ડની મદદ માટે પોલીસ ટીમ બનાવવાના નિર્દેશ આપ્યા હતા. મેડીકલ બોર્ડનો આઠ મે સુધી રીપોર્ટ સોંપવાનો હતો. પરંતુ જસ્ટીસ કરનને તપાસ માટે ઇનકાર કરી દીધો હતો અને સાતેય જજો વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યા હતા.
સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે દેશની કોઈ પણ કોર્ટ અથવા ટ્રીબ્યુનલ ૮ ફેબ્રુઆરી બાદ જાહેર કરાયેલા જસ્ટીસ કરનનના આદેશ ઉપર ધ્યાન ના આપે. સુપ્રિમ કોર્ટના આદેશ છતાં કોર્ટમાં જસ્ટીસ કરનન હાજર થયા નહોતા.
સુનાવણી દરમ્યાન એ જી મુકુલ રોહતગીએ કહ્યું કે જસ્ટીસ કરનને સુપ્રિમ કોર્ટના સાત જજો વિરુદ્ધ જ આદેશ જાહેર કરી દીધા છે. તે માનસિક રીતે ઠીક નથી. તે પ્રેસ કોન્ફરન્સ કરે છે.