Mehsana: એરપોર્ટથી માત્ર 4 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો
Mehsana: મહેસાણામાં 31 માર્ચ 2025ના રોજ બનેલી ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાને લઈને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ રિપોર્ટ જાહેર કર્યો છે. મહિલાત્રેની પાઈલટની સિંગલ ક્રોસ-કન્ટ્રી ફ્લાઈટ દરમિયાન વિમાન અચાનક ક્રેશ થયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાનને મહેસાણા એરટ્રાફિક કન્ટ્રોલ સાથેનો અંતિમ સંપર્ક માત્ર 4 નોટિકલ માઈલના અંતરે, 2000 ફૂટ ઊંચાઈએ થયો હતો.
વિમાન અચાનક ઉચરપીના ખેતરમાં પડ્યું
વિમાનનું સ્થાન મળતા પહેલાં સંસ્થાના બે જુદા જુદા ફલાઇટ ઇન્સ્ટ્રક્ટરોએ VT-PBAને શોધવા ઉડાન ભરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. આખરે ઉચરપી ગામના ખેડૂતોએ ખેતરમાં ક્રેશ થયેલું વિમાન જોયું અને મહિલા પ્રશિક્ષણ પાઈલટને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. દુર્ઘટના સમયે વિમાનનું ઈમરજન્સી ટ્રાન્સમિટર ELT સક્રિય થયું હતું, જે આપમેળે બચાવ સંકેતો મોકલવાનું કાર્ય કરે છે.
બાંસવાડા અને ડીસા થઈ પાછું મહેસાણા આવવાનું હતું
વિમાનનું શિડ્યુલ બાંસવાડા અને ડીસા થઈ પરત મહેસાણા આવવાનું હતું. સવારે 9:46 કલાકે વિમાને રનવે 5 પરથી ટેક ઑફ લીધું હતું. આરંભમાં તમામ તંત્રો સામાન્ય હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, પાઈલટનું બ્લડ એલ્કોહોલ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યું હતું.
કેમ થયો સંપર્ક તૂટી જવાનો સંજોગ?
AAIBએ આ રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે હજુ પણ દુર્ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ જરૂરી છે. કેમકે, પાઈલટે પોતાનો છેલ્લો સંદેશ આપ્યા બાદ વિમાન અને ATC વચ્ચે કોઈ જ સંપર્ક થયો નહોતો. આ સંજોગોએ તાલીમ લેતી ફ્લાઈટમાં ATC સાથે સતત સંપર્ક અને સલામતી નિયમોને વધુ ગંભીરતાથી લેવાની જરૂરિયાત ઊભી કરી છે.
એવિએશન એકેડેમી મૌન
બ્લુ રે એવિએશન એકેડેમી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ AAIBના રિપોર્ટ પરથી સ્પષ્ટ છે કે, આ ઘટનાએ ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં તાલીમ દરમિયાન સુરક્ષાના માપદંડોને પુનઃમુલ્યાંકન કરવાની જરૂરિયાત જણાવી છે.