એક તરફ રાજ્ય સરકાર કરકસરના નામે ફિક્સ પગારે ભરતી કરે છે બીજી તરફ ફિક્સ પગારે કર્મચારીઓની ભરતી કરી રાજ્ય ઉપર બહું મોટો ઉપકાર કર્યો હોય તેમ નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણુંક પત્ર આપવના સમારંભમાં કરોડોનું આંધણ કરે છે. 18મી મેના રોજ અમદાવાદ ખાતે નવનિયુક્ત પોલીસ કોન્સ્ટેબલ્સને નિમણુંક પત્ર આપવાં પાછળ ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં 18 મેના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પોલીસને નિમણુંક પત્ર આપવાનો એક સમારંભ રાખવામાં આવ્યો છે. જેમાં 18 હજાર પોલીસને નિમણુંક પત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે અમદાવાદ પોલીસે રાજ્ય સરકાર પાસે ડોમ અને સાઉન્ડ સિસ્ટમ માટે રૂપિયા 1.50 કરોડ, પોલીસને જમાડવા માટે રૂપિયા 25 લાખ, ત્યાં આવનાર તમામ પોલીસને એક સરખી ટી શર્ટ માટે 25 લાખ અને આકસ્મિક ખર્ચ પેટે પણ 25 લાખ આમ કુલ 2.27 કરોડની માંગણી કરી છે.
આ ઉપરાંત 18 હજાર પોલીસને રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી લાવવા માટે 360 એસટી બસો પણ માંગી છે, જેનો અંદાજિત ખર્ચ 50 લાખ થશે. આમ ત્રણ કરોડ રૂપિયા ખર્ચાઈ જશે.આ ત્રણ કરોડ નવ નિયુક્ત પોલીસને પગાર પેટે આપ્યા હોત તો રાજ્યને આ પ્રસિદ્ધિ કરતા વધુ પ્રસિદ્ધિ મળી હોત..