છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાની ઘટનાઓને ફેસબુક પર લાઇવ બ્રોડકાસ્ટ કરવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ ફેસબુક દ્વારા આવા કન્ટેટથી પોતાના યુઝર્સને દૂર રાખવા 3 હજાર કર્મચારીઓની ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ આવી પોસ્ટ પર અને વીડિયો પર નજર રાખશે.
ફેસબુકની રિવ્યુ ટીમ આ મુદ્દે લૉ એનફોર્સમેન્ટ એજંસીઓ સાથે મળીને કામ કરશે. કંપનીના CEO માર્ક ઝકરબર્ગે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી ફેસબુક પર લાઇવ કે પછી વીડિયો દ્વારા કેટલાક યુઝર્સ પોતાને અને બીજાને નુકશાન પહોંચાડતા દેખાડી રહ્યાં છે. જે ખૂબ જ પીડાદાયક છે.
પોતાના ફેસબુક પેજ પર માર્ક ઝુબકરબર્ગે લખ્યું છે કે કંપની નવા ટુલ લાવશે જેથી વિવાદાસ્પદ કન્ટેન્ટ પર ઝડપથી કાર્યવાહી થઇ શકે. અમારી રિવ્યુ ટીમ 4500 લોકો છે અને આગામી વર્ષ સુધીમાં તેમાં વધુ 3 હજાર લોકોને જોડવાની યોજના છે. અમને દર સપ્તાહ લાખો ફરિયાદ મળે છે જેને ઉકેલવા માટે ઝડપથી કામ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં એક વિદ્યાર્થીએ મુંબઇની એક હોટલના 19મા માળેથી કુદી આત્મહત્યા કરી અને તેનું પ્રસારણ ફેસબુક લાઇવ પર કર્યું હતું. આ સિવાય અમેરિકા અને થાઇલેન્ડમાંથી પણ આવી ઘટનાઓ સામે આવી હતી.