નવી દિલ્હી : લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થા (ઇકોનોમી)ને આશરે 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલએ આનો અંદાજ લગાવ્યો છે. ક્રિસિલે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
ક્રિસિલએ 2020-2021 માટેના ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ લગભગ અડધાથી ઘટાડીને 1.8 ટકા કર્યો છે. એજન્સીએ કહ્યું છે કે, કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવાના લોકડાઉનથી અર્થવ્યવસ્થાને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. સરેરાશ, આ નુકસાન દર વ્યક્તિ દીઠ 7,000 રૂપિયા જેટલું થશે.
સરકારની મદદની જરૂર છે
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ક્રિસિલે કહ્યું છે કે સરકારના સહયોગમાં જબરદસ્ત વધારો થવો જોઈએ. એજન્સીએ અગાઉ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં છ ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો, જે માર્ચના અંતમાં 3.5 ટકા અને હવે 1.8 ટકા થઈ ગયો છે.