મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 19 વર્ષ પછી મોટો વળાંક, તમામ 11 આરોપીઓ હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર
2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર અને તપાસ એજન્સી માટે આ ચુકાદો મોટા ઝટકા સમાન સાબિત થયો છે. હાઈકોર્ટે તમામ 11 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે.
આ કેસમાં અત્યાર સુધી કુલ 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું, જ્યારે બાકીના 12માંમાંથી 11 લોકોને 2015માં વિશેષ અદાલત દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં 5 આરોપીઓને ફાંસીની સજા અને 7 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
પત્નીઓ, બાળકો અને પરિવારજનો માટે આ નિર્ણય આશાના પ્રકાશકિરણ સમાન રહ્યો છે, કારણ કે તેઓ સતત દાવો કરતા રહ્યા હતા કે આરોપીઓ નિર્દોષ છે અને તેમની સામે ખોટા પુરાવાઓના આધારે કાર્યવાહી થઈ છે.
હાઈકોર્ટે જણાવ્યું કે આરોપીઓ સામે લાવવામાં આવેલા પુરાવાઓ અસંતોષકારક હતા અને તેમની સામે કોઈપણ પ્રકારનો સ્પષ્ટ અને આધારભૂત પુરાવો રજૂ ન કરવામાં આવ્યો. પુરાવાઓમાં વિસંગતતા હતી અને તપાસ એજન્સીઓનો અભિગમ પણ શંકાસ્પદ હતો.
ટ્રેન બ્લાસ્ટ મામલો: શું બન્યું હતું?
11 જુલાઈ, 2006ના રોજ સાંજના ટાઈમ પર મુંબઈની વેસ્ટર્ન લાઈનની 7 અલગ-અલગ લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ ભયંકર ઘટના દરમિયાન 180થી વધુ લોકોના મૃત્યુ થયા અને 800થી વધુ ઘાયલ થયા. આ દેશના ઈતિહાસના સૌથી ગંભીર આતંકી હુમલાઓમાંનો એક માનવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના આ નિર્ણય બાદ આરોપીઓને જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. રાજય સરકાર પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.
આ ચુકાદા બાદ ફરી એકવાર દેશમાં તપાસ અને ન્યાયવ્યવસ્થાની વિશ્વસનીયતા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. 19 વર્ષ સુધી દોષિત તરીકે જીવી ચૂકેલા આ લોકો હવે નિર્દોષ જાહેર થયા છે.