સ્વિત્ઝરલેન્ડ, તા.23
જેમ્સ બોન્ડની ફિલ્મોમાં એજન્ટ 007ના રોલમાં ચમકેલા ડેશિંગ હોલીવૂડ હીરો સર રોજર મૂરનું સ્વિત્ઝરલેન્ડ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ મૂર કેન્સર સામેના ટૂંકા જંગમાં ખૂબજ બહાદૂરીપૂર્વક લડ્યા પરંતુ તેમનું અંતે નિધન થયું હતું.
સર રોજર મૂરના પરિવારમાં તેમના બાળકો ડેબોરાહ, જ્યોફ્રી અને ક્રિશ્ચિયનનો સમાવેશ થાય છે. તેમની ફ્યુનરલ મોનાકો ખાતે યોજાશે જ્યાં તેઓ ચોથી પત્ની ક્રિસ્ટિના થોલ્સ્ટ્રપ સાથે રહેતા હતા. પિતાની ઈચ્છા મુજબ મોનાકોમાં ખાનગી રીતે અંતિમવિધી હાથધરાશે, તેમ મૂરના પુત્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સર રોજર મૂરનું શો બિઝનેસમાં 60 વર્ષનું યોગદાન રહ્યું છે, પરંતુ તેમને સૌથી લાંબા સમય સુધી બોન્ડ ફિલ્મોમાં 007 એજન્ટ તરીકેના રોલ બદલ યાગ રખાશે. ટીવી ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કરનાર મૂરે 12 વર્ષમાં 7 ફિલ્મોમાં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું હતું. સૌપ્રથમ વખત તેઓ 1973માં લીવ એન્ડ લેટ ડાયમાં એજન્ટ 007 તરીકે ચમક્યા હતા. ત્યારબાદ તેમણે ધ મેન વીથ ગોલ્ડન ગન (1974), ધ સ્પાય હુ લવ્ડ મી (1977), મૂનરેકર (1979), ફોર યોર આય્ઝ ઓન્લી (1981), ઓક્ટોપસી (1983) અને અ વ્યૂ ટુ અ કિલ (1985)માં બોન્ડનો રોલ બખુબી નિભાવ્યો હતો.
તેમની છઠ્ઠી જેમ્સ બોન્ડ ફિલ્મનું શૂટિંગ ભારતમાં ચાલતું હતું જ્યારે મૂ દેશની ગરીબી જોઈને અચંબિત થઈ ગયા હતા. ત્યારબાદ એક મિત્રની મદદથી તેઓ 1991માં યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પણ બન્યા હતા અને તેમણે માનવસેવાના કાર્યોમાં પણ યોગદાન આપ્યું હતું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.