કોરોનાવાઈરસની રસી અને ચોક્કસ દવા શોધવા માટે વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં એક સારા સમાચાર બ્રિટનથી સામે આવ્યાં છે. બ્રિટનની સેન્ટ એન્ડ્રુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરી વાઈરસને ફેફસાં સુધી પહોંચતા અટકાવી શકાય છે. તેના માટે સ્પ્રે સાથે mCBMs (મલ્ટિવેલન્ટ કાર્બોહાઈડ્રેટ બાઈન્ડિંગ મોલિક્યુલ) નામની દવાનો ઉપયોગ કરવા પર કોરોનાવાઈરસને નાકની અંદર પ્રવેશતો અટકાવી શકાય છે. રિસર્ચના લીડ વૈજ્ઞાનિક પ્રોફેસર ગૈરે ટેલરના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એન્ટિવાઈરલ દવા વાઈરસના કેટલાક ભાગ પર જ અસર કરે છે, પરંતુ mCBMs દવા કોરોનાને નાકની કોશિકાઓમાં પ્રવેશતા અટકાવે છે. તેને લીધે કોરોનાવાઈરસ નાકમાં જ અટકી જવાથી ફેફસાં સુધી પહોંચી નુક્સાન પહોંચાડતો નથી.