શહેર વિકાસ, ટ્રાફિક સમસ્યા, શિક્ષણ અને આરોગ્ય મુદ્દે સાબરકાંઠા જિલ્લામાં સંકલન બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને હિંમતનગર કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોની સમીક્ષા કરવાનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાનો હતો. બેઠકમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓને પ્રજાલક્ષી કામોમાં ગતિ લાવવા સૂચના આપવામાં આવી હતી.
હિંમતનગર શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચાઓ
બેઠકમાં ધારાસભ્ય વી. ડી. ઝાલાએ શહેર અને તાલુકાના અનેક મહત્વના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે શહેરમાં અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવા, મોતીપુરા બ્રિજ અને રિવરફ્રન્ટનું બ્યુટીફિકેશન કરવા તેમજ આર.ટી.ઓ સર્કલને સુશોભિત કરવા બાબતે રજૂઆત કરી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય વિદ્યાલય અને ત્રિવેણી હાઈસ્કૂલ પાસે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બેરિકેડ્સ મૂકવા અને સિવિલ હોસ્પિટલ પાસેનો રોડ પહોળો કરવા જેવી પાયાની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વહીવટી પ્રશ્નો અને બોર્ડ પરીક્ષાના સુચારૂ આયોજનની સમીક્ષા
બેઠકના બીજા ભાગમાં સરકારી કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડના પ્રશ્નો અને આદિજાતિ વિસ્તારોના વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ સરકારી કચેરીઓમાં પાણી અને વીજળીની બચત કરવા માટે ‘જળસંચય’ અને ‘વીજ બચાવ’ અભિયાન હેઠળ તમામ અધિકારીઓને અપીલ કરી હતી.
સાબરકાંઠાને નશામુક્ત બનાવવા પોલીસ વડાની ખાસ અપીલ
જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે બેઠકમાં નશાબંધી અંગે કડક અમલવારીની વાત કરી હતી. તેમણે આરોગ્ય, શિક્ષણ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જેવા વિવિધ વિભાગોને પોલીસ તંત્ર સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી, જેથી સાબરકાંઠા જિલ્લાને સંપૂર્ણપણે નશામુક્ત બનાવી શકાય. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને તમામ પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા અને જિલ્લાના વિકાસ માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
