ઓલમ્પિક ટાસ્ક ફોર્સે ટોકિયોમાં ૨૦૨૦માં રમાનાર ઓલમ્પિક ગેમ્સની તૈયારીઓ માટે એક સર્વ સત્તાધીશ સંચાલન સમિતિ બનાવવાની ભલામણ કરી છે. એટલુ જ નહીં ટાસ્ક ફોર્સે ભારતીય કોચોની સેલેરી પરથી મહત્તમ મર્યાદા હટાવવાની પણ ભલામણ કરી છે.
આગામી ૩ ઓલમ્પિક રમતોનુ આયોજન કરવા માટે આ ટાસ્કફોર્સની રચના ભારતીય રમત ગમત મંત્રાલયે કરી છે. આ સભ્યોની આ ટાસ્કફોર્સે રમત ગમત મંત્રી વિજય ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૦ની ઓલમ્પિક સમીટની તૈયારીઓને લઈને ચર્ચા કરાઈ હતી. જે દરમિયાન ટાસ્કફોર્સે એક સંચાલન સમિતિનું નિર્માણ કરવાની ભલામણ કરી છે.
જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પર્ફોમન્સ ડાયરેક્ટરની પણ નિમણૂંક કરવાની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત પૂર્વ એથ્લેટોને અલગ-અલગ રમતોના ખેલાડીઓ સાથે જોડીને તેમની કોચિંગનો લાભ મળે તે માટેનું આયોજન કરવા પર ભાર અપાયો છે. સાથે જ યોગ્ય એથ્લેટો અને તેમના કોચને રાષ્ટ્રીય મૂડી જાહેર કરી તેમને પ્રધાનમંત્રી ગોલ્ડ કાર્ડ આપવા પણ ભલામણ કરાઈ છે. આવા ખેલાડીઓ અને કોચોને હવાઈ, ટ્રેન, બસ યાત્રામાં ઈમરજન્સી ક્વોટા જેવી આરામદાયક સુવિધાઓ મળવી જોઈએ. સાથે જ ખેલાડીઓ માટે એક વિશેષ સેલની રચના કરવા માટે ભલામણ કરી છે. જે ખેલાડીઓને જરુરી સામાનની વ્યવસ્થા કરી આપે.જેથી ખેલાડીઓ પોતાના સામાનની ચિંતા છોડી ટ્રેનિંગ પર ધ્યાન આપી શકે. સાથે જ નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સીની હેલ્પલાઈન શરૃ કરવા ભલામણ કરાઈ છે. જેથી ખેલાડી કોઈપણ સમયે ડોપિંગને લગતી પોતાની શંકા અંગે સલાહ મેળવી શકે.