નવી દિલ્હી : લોકડાઉનની અસર દેશના સૌથી ધનિક મંદિર પર પણ પડી છે. આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં કાર્યરત 1300 કરાર કામદારોને રજા આપી દેવામાં આવી છે. આ કર્મચારીઓનો કરાર 30 એપ્રિલના રોજ સમાપ્ત થયો હતો અને મંદિર પ્રશાસને 1 મેથી કરારને નવીકરણ કરવાનો ઇનકાર કરી દીધો છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો લોકડાઉનનો હવાલો
ખરેખર, તિરૂપતિ બાલાજી મંદિર મેનેજમેંટે 1 મેથી કરાર પર કામ કરતા 1300 કર્મચારીઓને કામ પર આવવાની ના પાડી દીધી છે. મંદિર પ્રશાસને જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે કામ બંધ છે, તેથી હવે આ 1300 કર્મચારીઓના કરાર 30 એપ્રિલથી વધારવામાં આવશે નહીં.
તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટ તરફથી વિષ્ણુ નિવાસમ, શ્રીનિવાસમ અને માધવમ નામના ત્રણ અતિથિગૃહો (ગેસ્ટ હાઉસ) ચલાવવામાં આવે છે. નોકરીમાંથી કાઢવામાં આવેલા બધા 1300 કર્મચારીઓ ઘણા વર્ષોથી આ ગેસ્ટ હાઉસમાં કામ કરતા હતા.
તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ વાય.વી. સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે તમામ ગેસ્ટહાઉસ બંધ થઈ ગયા હતા, જેના કારણે આ કર્મચારીઓના કરારમાં વધારો કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન નિયમિત કર્મચારીઓને પણ કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. તિરુપતિમાં કામ કરતા આ 1300 કર્મચારીઓને નોકરી પરથી કાઢી નાખવામાં આવતા હવે તેઓ ‘રામ ભરોસે’ થઇ ગયા છે. કારણ કે, આ લોકડાઉનના સમયમાં આવકનો સ્ત્રોત બંધ થઇ જતા આ કર્મચારીઓ માટે પણ હવે મુશ્કેલી ઉભી થઇ શકે છે.