જ્યારથી કોરોના આપણા જીવનનો ભાગ બન્યો છે, ત્યારથી આપણે દરેક બાબતને કોરોનાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈને તે પ્રમાણે જીવવા માંડ્યા છીએ. તેનું સૌથી મોટું પાસું છે ઘરમાં આવતી વસ્તુઓ. હજી સુધી ઘરમાં આવતી વસ્તુઓથી કોરોના ફેલાયો હોય તેવું નક્કરપણે સાબિત થયું નથી, તેમ છતાં લોકો ખાવા-પીવાની ચીજોને પણ ડિસઈન્ફેક્ટન્ટ કરીને પછી જ વપરાશમાં લેવાનું વલણ અપનાવી રહ્યા છે.
પરંતુ આ પ્રક્રિયામાં ડિસઈન્ફેક્ટન્ટ ખાદ્યપદાર્થો મારફતે શરીરમાં જઈને નવાં પ્રોબ્લમ ઊભાં કરી શકે છે. આ બધું જોતાં બેંગલુરુના ‘Log9 Materials’ નામના સ્ટાર્ટઅપે ખાસ પ્રકારનું ‘કોરોના અવન’ (Corona Oven) તૈયાર કર્યું છે. આ અવન ખાદ્યપદાર્થોથી લઈને ઘરમાં આવતી કોઈપણ ચીજને કોરોનાવાઈરસ અને કોઈપણ પ્રકારનાં હાનિકારક વિષાણુઓથી મુક્ત કરવા સક્ષમ છે. આ કોરોના અવન વસ્તુઓને સેનિટાઈઝ કરવા માટે ‘અલ્ટ્રા વાયોલેટ વિકિરણોનો ઉપયોગ કરે છે.
વસ્તુઓને જર્મ ફ્રી કરવા માટે ‘અલ્ટ્રા વાયોલેટ જર્મિસાઇડલ ઈરેડિકેશન’ પદ્ધતિનો ઉપયોગ થતો આવ્યો છે અને આ કોરોના અવન આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ અવનની અંદર કોઈપણ વસ્તુ મૂકીને તેને ઑન કરતાં જ દસ મિનિટની અંદર જે તે વસ્તુના પેકેટ પર ચોંટેલા તમામ સંભવિત વાઈરસ-જર્મ્સનો નાશ કરે છે. હાલના તબક્કે બેંગલુરુનાં 150 જેટલાં પોલીસ સ્ટેશનમાં આ કોરોના અવન નો વપરાશ કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં આવાં કોરોના અવન પણ ફ્રિજ, RO ફિલ્ટર કે એર કન્ડિશનરોની જેમ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની જાય તો નવાઈ નહીં.