એકના એક દીકરાને બે વર્ષ પહેલાં ગુમાવી માનસિક તણાવમાં રહેતી 50 વર્ષની માતાએ IVFની મદદથી દીકરાને જન્મ આપી વિધાતાએ છીનવી લીધેલા પુત્રને કુદરત પાસેથી પરત મેળવી ફરી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. 21 વર્ષના પુત્ર અભિજીત સિંહે IIT યુનિવર્સિટી ઉત્તરાખંડના રુડકીમાં અભ્યાસ દરમિયાન 2 વર્ષ પહેલા આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. ભાગીરથીબેને વધુમાં જણાવ્યું હતું કે, અભિજીત ખૂબ લાડકો હતો.
કપડાં પણ મારી પસંદના જ પહેરતો હતો. ખાવામાં ગુલાબ જાબુ ખૂબ પસંદ કરતો હતો. 12 સાયન્સમાં 85% આવ્યા બાદ JEEમાં ટોપ કરી કમ્પ્યુટર ઇજનેરમાં પ્રવેશ મેળવ્યો હતો. એની તમામ યાદો ઘરની દીવાલ પણ ફોટો ફ્રેમ બનીને રોજ સામે આવે છે. વિધાતાના ચોપડે નસીબમાં પુત્ર સુખ લખ્યું છે એટલે જ કુદરતે ફરી કુખે પુત્ર જન્મ આપ્યો છે એ મારો અભિજીત જ છે. કોરોનાની મહામારીના પ્રથમ ચરણમાં જ જન્મેલા પુત્રને લઈ મિત્રોએ પણ માતા ભાગીરથીબેનની કુખે જન્મેલો બાળક પુનઃ જન્મ લેનાર અભિજીત જ હોવાનું કહી શુભેચ્છાઓની વર્ષા કરી રહ્યા છે.