ચેન્નાઈ : જોકે લોકડાઉન 17 મેના રોજ સમાપ્ત થવાનું છે, પરંતુ તે પહેલા ઓટો કંપનીઓએ કેટલીક શરતો સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. આ અંતર્ગત દેશની જાણીતી કંપની હ્યુન્ડાઇ (Hyundai) મોટર ઇન્ડિયાએ ચેન્નાઈ પ્લાન્ટમાં કામગીરી શરૂ કરી છે. કામગીરીના પહેલા દિવસે પ્લાન્ટે 200 કારનું ઉત્પાદન કર્યું છે. નોંધનીય છે કે, લોકડાઉનના ત્રીજા તબક્કામાં, ઉદ્યોગોને કેટલીક ઢીલ આપવાંમાં આવી છે. આ જ કારણ છે કે ઓટો કંપનીઓએ કાર્ય કરવાનું શરૂ કર્યું છે.
કંપનીએ શું કહ્યું?
હ્યુન્ડાઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 100 ટકા સલામતી અને સામાજિક અંતર માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, સરકાર કોરોના વાયરસથી સર્જાયેલી કટોકટીથી ભરેલી અર્થવ્યવસ્થાને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, ઉત્પાદન કામગીરીની શરૂઆત સાથે, કંપની આર્થિક પ્રવૃત્તિઓમાં ફાળો આપી શકશે.
23 માર્ચથી હતું તાળું
કોરોના વાયરસ રોગચાળાને કારણે 23 માર્ચથી હ્યુન્ડાઇ મોટર્સના પ્લાન્ટ બંધ હતા. તે જ સમયે, એપ્રિલમાં, કંપનીએ લોકડાઉનને કારણે સ્થાનિક બજારમાં એક પણ વાહનનું વેચાણ કર્યું ન હતું. જ્યારે આ દરમિયાન હ્યુન્ડાઇએ 1341 યુનિટ વાહનોની નિકાસ કરી. કંપનીને આશા છે કે 17 મે પછી ઓટો માર્કેટ ધીરે ધીરે રોનકમાં આવશે.