શ્રીલંકન સરકારના જણાવ્યા મુજબ, ૧૪ જિલ્લાના ૫૨૬૦૩ પરિવારના ૨૦ લાખથી પણ વધુ લોકો આ પુરના કારણે પ્રભાવિત થયા છે. અત્યાર સુધી ૫ હજાર પરિવારોના ૨૫ હજારથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મૃતાંક ૨૫૦ના આંકડાને પાર કરી ગયો છે. જ્યારે ૧૫૦થી પણ વધુ લોકો હજી ગુમ છે. શ્રીલંકન આર્મી, નેવી અને એરફોર્સના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. બચાવ કામગીરી દરમિયાન નેલુવા વિસ્તારમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થતા ત્રણ જવાનોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને પવનનો આતંક હજી ચાલુ રહે તેવી શક્યતા છે. ભારત સરકારે પણ બચાવ કામગીરીના અભિયાનમાં જોડાવા માટે પોતાની નેવીના જહાજોને કોલંબો મોકલી આપ્યા છે. અત્યાર સુધી ભારતીય નેવીના ૩ જહાજ કોલંબો પહોંચી ચુક્યા છે. જે બદલ શ્રીલંકન વિદેશ મંત્રી રવિ કરુણ નાયકે ભારત સરકારનો આભાર માન્યો છે.
તેમણે જણાવ્યુ હતું કે આટલા ઓછા સમયમાં રાહત સામગ્રી મોકલવા માટે અમે ભારતના આભારી છીએ. તેમનુ આ પગલુ દર્શાવે છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધ કેટલા મજબુત છે. ભારતે આઈએનએસના એક યુદ્ધ જહાજને પણ કોલંબો જવા રવાના કરી દીધુ છે. મનાઈ રહ્યુ છે કે આવતીકાલે સવાર સુધી આ જહાજ કોલંબો પહોંચશે. આ ઉપરાંત ભારતીય નેવીના અન્ય બે જહાજ આઈએનએસ સાર્દુલ અને જલાસ ખાદ્ય પદાર્થ, દવાઓ, પીવાનુ પાણી સહિતની રાહત સામગ્રી લઈને શ્રીલંકા પહોંચી ગયા છે.