રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર ચાલી રહ્યો છે. દેશમાં હોટસ્પોટ રાજ્યમાં ગુજરાતનું નામ જોડાઈ ગયું છે. આ તમામ વાતો વચ્ચે કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને પાટા પર ફરી લાવવા માટે આત્મનિર્ભર પેકેજ જાહેરાત વડાપ્રધાને કરી દીધી છે. તો આગામી 17મી મે પછી લોકડાઉન હળવું બનાવવા માટેની બ્લુપ્રિન્ટ પણ બનાવી દેવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અમદાવાદનો એસજી હાઈવે પર પહોંચ્યા હતા.
નીતિન પટેલ આજે એસજી હાઈવે પહોંચીને જે સિક્સ લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે તે કામનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન-4ના નવા નિયમોને લઈને નીતિન પટેલે આજે એક મોટું નિવેદન આપ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે S.G હાઈવે પર નીતિન પટેલ પહોંચીને સિક્સ લેન રોડની સમીક્ષા કરી હતી. પકવાન ચાર રસ્તા પાસે ચાલી રહેલા કામની સમીક્ષા કરતા તેમને મીડિયા સાથેની વાતચીતમાં અનેક મુદ્દાઓને લઈને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરખેજથી ગાંધીનગર સુધીના 44 કિ.મી. રોડ પર 7 ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે લોકડાઉન અને કોરોનાના કારણે બંધ થયેલા કામ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે બ્રિજ બનાવવા માટે સરકારે કોન્ટ્રાક્ટરોની નિમણૂંક કરી છે, તેઓએ પરપ્રાંતિય શ્રમિકોને જાળવી રાખ્યા છે. માર્ગ મકાન વિભાગના 9 થી 10 હજાર કરોડના કામો ચાલુ હોવાની પણ વાત કરી હતી. એસજી હાઈવે પર બની રહેલા બ્રિજ ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થશે. તેના માટે કોન્ટ્રાક્ટરોના કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે લોકડાઉન-4ના નવા નિયમોને લઈને નીતિન પટેલનું મોટું નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર કેન્દ્ર સરકારને લૉકડાઉન 4 માટેના અભિપ્રાય સુચવશે. ગુજરાતમાં લૉકડાઉન હળવુ કરવા અમે કેન્દ્ર સરકારને અમારા અભિપ્રાય આપવાના છીએ.
ગુજરાતના 70 ટકા વિસ્તારમાં બજાર ચાલુ થવાના છે. તેના માટે ભારત સરકારને સૂચનો મોકલીશું. લોકોની આવક ચાલુ થાય તેવા પ્રયાસ ચાલું કરીશું. નીતિન પટેલે કોરોના દર્દીઓને ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન મફતમાં આપવાની વાત કરી હતી. આ એક ઈન્જેક્શનની કિંમત રૂ.35000 હોવાની વાત કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, આજથી ગુજરાતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનનો ઉપયોગ શરૂ કરાયો છે. આ ઈન્જેક્શનના કારણે ખુબ સફળતા મળવાની સંભાવના છે. ગંભીર હાલતમાં રહેલાં દર્દીઓને આ ઈન્જેક્શન આપવાથી લાભ થાય છે. આ ઈન્જેક્શન ખુબ જ મોંઘા આવે છે. પણ સરકારે આ ઈન્જેક્શનને ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. અને આગામી સમયમાં આ ઈન્જેક્શનનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે.