કોરોના કહેર વચ્ચે અમદાવાદ સીવિલ હોસપીટલ પર બેદરકારીના એક પછી એક આક્ષેપો વધી રહ્યા છે. હજી પોરબંદરના કોંગ્રેસના નેતા પ્રવીણભાઈ ના મૃતદેહનો મામલો શાંત નથી થયો ત્યારે આજે બીજા દિવસે અમદાવાદ રાજપુર ગોમતીપુર વિસ્તારમાં રહેતા મહેશભાઇ સોલંકીના મૃત્યુની જાણ નવમા દિવસે કરતા સિવિલ હોસ્પિટલના મેનેજમેંટ પર સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજપુર ગોમતીપુર વિસ્તારમાં રહેતા મહેશ ભાઈ સોલંકી નો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે 4/5/2020 ના રોજ દાખલ કર્યા હતા અચાનક સારવાર બાદ આજે પોલીસની ટીમ મહેશભાઈ ના ઘરે આવી અને મહેશભાઈના મૃત્યુના સમાચાર આપતા પરિવારના પગ નીચેની જમીન સરકી પડી હતી, પરંતુ જ્યારે મહેશભાઈ સોલંકી ના પરિજનો દ્વારા સદર હોસ્પિટલમાં સંપર્ક કરવામાં આવ્યો અને મહેશભાઈ નું મૃત્યુ 6/5/2020 ના રોજ થયું હોવાની ખબર પડતાં હોસ્પિટલ સંવેદનશીલતા ખૂલીને બહાર આવી છે.
પરિવારજનો દ્વારા જ્યારે હોસ્પિટલમાં અધિકારીઓને સવાલ પૂછ્યા કે, “આટલી મોડી નવ માં દિવસે કેમ જાણકારી આપી રહ્યા છો?” તો હોસ્પિટલના અધિકારીઓ જાણે સાઈલેન્ટ મોડમાં જતા રહ્યા અને તેમની પાસે કોઈ ચોક્કસ જવાબ ન હતો. સિવિલ હોસ્પિટલની અસંવેદનશીલતા અહીં અટકી નહીં અને આગળ વધી હતી જ્યારે મહેશભાઈના મૃતદેહને મુકવા માટે કોઇ કર્મચારી હાજર નહોતો અને મહેશભાઈના સગાઓએ મૃતદેહ જાતે સબવાહીનીમાં મુક્યો હતો, એક તરફ કોઇ કર્મચારી હાજર નહીં ત્યારે બીજી તરફ અધિકારીઓ દ્વારા વધુ ગંભીર બેદરકારી કરવાનું જાણે નક્કી કરી બેઠા હોય તેમ મહેશભાઈના મૃતદેહને સાથે અન્ય એક શાહપુર થી ૩૦ વર્ષીય મહિલાનો મૃતદેહ પણ તેજ સબવાહિનીમાં મુકવામાં આવ્યો હતો અને બે પરિવારના સદસ્યો ને બે કોરોના પોઝિટિવના મૃતદેહ સાથે સબવાહિનીમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતા. એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન્સ ની મસમોટી વાતો કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે. શું આવી રીતે અટકશે કોરોનાનો કહેર ?