દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન થવા છતાં, કોરોનાનો કહેર અટક્યો હોય તેવું લાગતું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માઇક્રોસસોફ્ટનાં સહ-સ્થાપક બિલ ગેટ્સે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ સમય દરમિયાન, બંને વચ્ચે કોરોના વાયરસ માટે વૈશ્વિક પ્રતિભાવ અને રોગચાળાને પહોંચી વળવાનાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બિલ ગેટ્સે ભારત સરકાર દ્વારા કોરોના સંકટને પહોંચી વળવા લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ સામેની લડતમાં ભારત દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ પર પણ ભાર મૂક્યો હતો. પીએમ એ ધ્યાન દોર્યું હતું કે જન કેન્દ્રિત અભિગમથી કોરોના સામે જંગ લડી રહેલા કાર્યકરો માટે સમ્માન, માસ્ક પહેરવુ, યોગ્ય સ્વચ્છતા જાળવી રાખવી અને લોકડાઉનનાં નિયમોનું પાલન કરાવવામાં મદદ કરી છે. પીએમ મોદીએ બેઠકમાં બિલ ગેટ્સનાં ફાઉન્ડેશન બિલ એન્ડ મેલિંડાની પણ પ્રશંસા કરી છે. વડા પ્રધાન કાર્યાલયનાં ટ્વિટ મુજબ, પીએમ મોદીએ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં અન્ય ઘણા ભાગોમાં કોવિડ-19 નાં વૈશ્વિક પ્રતિભાવનાં સંકલન માટે કરવામાં આવેલા આરોગ્ય કાર્યની પ્રશંસા કરી.
જણાવી દઇએ કે, બિલ ગેટ્સની સંસ્થા હાલમાં વિશ્વનાં ઘણા દેશોમાં કોરોના વાયરસ સામે લડવામાં ત્યાંની સરકારોને મદદ કરી રહી છે. બેઠકનાં અંતે પીએમ મોદીએ બિલ ગેટ્સને સૂચન આપ્યું છે કે, જીવનશૈલી, આર્થિક સંગઠન, સામાજિક વર્તન, શિક્ષણ અને આરોગ્યસંભાળના ફેલાવા માટે જરૂરી પરિવર્તનનું વિશ્લેષણ કરવાની ગેટ્સ ફાઉન્ડેશન જવાબદારી પણ સંભાળી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે એકસાથે પડકારોનો સામનો કરવો પડશે, ભારતને પોતાના અનુભવની સાથે ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને વિશ્લેષણાત્મક અભ્યાસમાં યોગદાન કરવામાં ખુશી થશે.