મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ ધારાસભ્ય પી.સી. શર્માએ ભોપાલનાં લોકસભા સાંસદને કથિત રીતે ગુમ ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે, કોરોના રોગચાળાનાં આવા ગંભીર સમયે જ્યારે લોકોને તેમની સેવાઓની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે તેમનું મેદાનથી ગાયબ થવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પી.સી. શર્માએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે કોરોના સંકટનાં સમયે લોકોને ભોજન, તબીબી સહાય અને ઇ-પાસ માટે મતદારક્ષેત્રમાં તેમની મદદની જરૂર હોય, ત્યારે તે ભોપાલથી ગુમ થયા છે. તેમણે કહ્યું કે, ભોપાલનાં લોકોએ તેમને મોટા અંતરથી વિજયી બનાવ્યા અને લોકોને તેમની પાસેથી મોટી આશા છે પરંતુ હકીકતમાં તે ખૂબ દુ:ખદ છે કે તે આટલા અસાધારણ સંકટનાં સમયે ક્યાંય જોવા મળી રહ્યા નથી.
જો કે, ભોપાલનાં ભૂતપૂર્વ સાંસદ અને પ્રજ્ઞાનાં નજીકનાં સાંસદ આલોક સંજરે કહ્યું કે, “એવું લાગે છે કે પીસી શર્માને તેમના વિશે કોઈ માહિતી નથી.” સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનાં કારણે તેઓ (પ્રજ્ઞા ઠાકુર) દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ છે. સંજરે કહ્યું કે, પ્રજ્ઞાએ બુધવારે પાર્ટી નેતાઓનાં કોવિડ-19 નાં સંબંધમાં વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેઓ પોતે (સંજર) પણ તેમા હાજર હતા. પીસી શર્માને જ્યારે આ વિશે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “અમારી સહાનુભૂતિ તેમની સાથે છે, પરંતુ તેમણે ખાતરી કરવી જોઈએ કે લોકોને આ સંકટમાં મદદ મળી શકે.” લોકોને ભોજન, ઇ-પાસ અને અન્ય વસ્તુઓ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેમના તરફથી લોકોની મદદ માટે કોઈ આવ્યું નથી.”