કોરોના મહામારીમા દર્દીઓને ઉત્તમ સારવાર મળે તેમજ કોરોના વોરીયર્સને તમામ પ્રકારની મદદ મળે તે માટે સરકાર અને AMC એ અનેક વખત દાવાઓ કર્યા છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ જૂદી છે. છેલ્લા કેટલાક દિવસોથી શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં નહીં આવતાં હોવાની અનેક ફરીયાદો થઈ છે. એટલુ જ નહીં દાખલ થયેલા દર્દીઓનું પણ કોઈ ધ્યાન રખાતુ નથી. મંગળવારે રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ કોર્પોરેશનનો જ એક કોરોના વોરીયર્સ બીમાર થતા SVP હોસ્પિટલમાં સારવાર લેવા ગયો હતો. આ કર્મચારીને ઓછો ઓક્સિજન મળતો હતો. તેમણે ફરજ પરના ડોક્ટરને પોતાનો પરીચય પણ આપ્યો હતો અને પોતે પણ કોરોનાની લડતનો હિસ્સો બન્યો છે તે અંગેનુ ઓળખકાર્ડ પણ બતાવ્યુ હતું.
આ કર્મચારી સારવાર માટે બેથી ત્રણ કલાક કરગરતો રહ્યો હતો પરંતુ તેમની કોઈ જ સારવાર કરાઈ નહોતી. આખરે આ કર્મચારી એસજી હાઈ વે ઉપર આવેલી સોલા સિવિલમા ગયો હતો. જો કે ત્યાં પણ તેમણે ખૂબ માથાકૂટ કર્યા પછી દાખલ કરાયો હતો. આ અગાઉ પણ કોર્પોરેશનનો એક શિક્ષકનુ કોરોનાને કારણે મૃત્યું થયુ હતું. જેને પગલે શિક્ષકોએ મ્યુનિ.કમિશનર સમક્ષ લેખિતમા માગણી કરી છે કે મહામારીની લડતમાં સેવા આપી રહેલા કર્મચારીઓને પણ SVP માં દાખલ કરવામા આવે તેમજ જે તેની યોગ્ય સારવાર થાય. શિક્ષકો જણાવે છે કે તાજેતરમા કોરોનાથી મૃત્યું પામનારા કર્મચારીને હજુ સરકાર તરફથી કોઈ જ પ્રકારનું વળતર મળ્યું નથી. સોશિયલ મીડિય ઉપર પણ આ શિક્ષકોએ સરકાર અને તંત્ર સામે પોતાનો આક્રોશ કાઢવાનું શરુ કર્યુ છે. કોરોના વોરિયર્સની માગણી છે કે જો SVPમાં અમને દાખલ કરવામાં ન આવે તો ખાનગી હોસ્પિટલમાં કોર્પોરેશને પોતાના ખર્ચે સારવાર આપવી જોઈએ.