સાબર, બનાસ અને દૂધ સાગર એમ ત્રણ મોટા દૂધ ઉત્પાદક સંઘો, તેને આધીન 3000 થી વધુ મંડળીઓમાં નાણાકીય ઓડિટ 7 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને 31 મી માર્ચે પૂરા થયેલા વર્ષમાં મળવાપાત્ર રૂ.1500 કરોડથી વધારે નફાની વહેંચણી સલવાઈ છે. કેન્દ્રએ રૂ.20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યા બાદ ગામેગામથી બેન્કોમાં પડેલો પોતાનો નફો છૂટો કરાવવા યુદ્ધના ધોરણે મંડળીઓનું ઓડિટ પૂરું કરવા માગણીઓ ઊઠી છે. લોકડાઉનને કારણે 31 મી માર્ચે પૂરા થયેલા વર્ષ 2019-2020 ના હિસાબોનું ઓડિટ શરૂ કર્યુ નથી. તલોદમાં દૂધ ઉત્પાદન મંડળી સાથે સંકળાયેલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કહ્યુ કે, ” 10 દિવસ પહેલા પત્ર લખીને ઓડિટ શરૂ કરાવવા રજૂઆત કરી ૫ણ કોઈ હલચલ નથી”.
ઓડિટરો માસ્ક બાંધીને, સામાજિક અંતરથી ઓડિટ કરી શકે છે તેમ ન થતા સાબર સંઘની 1800 મંડળીઓના 3.50 ખાતેદારોને નફો મળવામાં વિલંબ થઈ રહ્યો છે. અમારે ત્યા દર વર્ષે રૂ.400 કરોડ જેટલો સ્થાનિક નફો વહેંચવાપાત્ર થાય છે. જે અટકી પડયો છે” માત્ર સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ જ નહી, દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા બનાસકાંઠા સંઘની મંડળીઓમાં પૂરા થયેલા નાણાકીય વર્ષનું ઓડિટ અટકી ત્યાં પણ વાર્ષિક નફાની વહેંચણી અટકી પડી છે. બનાસકાંઠામાં ૩.૫૦ લાખ ઉત્પાદકોને ગતવર્ષે સંઘમાંથી રૂ.૬૮૬ કરોડ અને ૧૫૦૦ મંડળીઓમાંથી રૂ.૪૦૦ કરોડ જેટલો નફો મળ્યો હતો. ત્યાં પણ ઓડિટમાં વિલંબ થતા જૂનમાં મળતી સાધારણ સભા છેક જુલાઈમાં મળે તેવી સ્થિતિ આકાર લઈ રહી છે.
પૈસા જમા થશે તો ગામડાઓથી શહેરોનું અર્થતંત્ર પણ તરી જશે
દૂધ ઉત્પાદકોના બેન્ક ખાતાઓમાં જેટલો વહેલો નફો જમા થશે એટલું જ વહેલું ગ્રામ્ય વિસ્તારોમાં ખર્ચ-ખરીદીની તીવ્રતા વધશે. એ ગતિમાં સૌથી પહેલો ફાયદો અમદાવાદ જેવા મોટા શહેરને થશે. કારણે કે, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના 40 થી વધુ નાના શહેરોનો બધો જ કારોબાર અમદાવાદ સાથે છે. આથી, ગ્રામ્ય વિસ્તારોમાં હાથમાં પૈસો આવે તો નજીકના નાના શહેરોમાં ઘરાકી ખુલતા અમદાવાદ આજુબાજુના ઉત્પાદન એકમોની ગતિ વધી શકે છે.
45 દિવસ પાણીમાં ગયા, હજુ બીજા 45 દિવસ થશે : બારૈયા
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કહ્યુ કે, ગામેગામ દુધ ઉત્પાદક બહેનોને જવાબો આપવા ભારે થઈ પડયા છે. દરેક મંડળીઓના પ્રમુખો લાચાર છે. સરકાર કંઈ સમજે તો સારૂ. લોકડાઉનના પહેલા જ સ્ટેટ રજિસ્ટ્રારનો ચાર્જ સંભાળનારા ડી.પી.દેસાઈ કહ્યુ કે, કચેરીઓ જ બંધ હતી. સ્ટાફ પણ ઓછો હતો. સોમવારે ત્વરિત ઉકેલ આવે તે તે દિશામાં આગળ વધીશું.