કોઈ પણ સ્થળની કોઇ વિશિષ્ટતા તેને અન્યથી જુદી પાડતી હોય છે. ઉત્તરાખંડનાં હિલ સ્ટેશનની ગોદમાં વસેલા અલબેલા ગામના દરેક ઘરોમાં મકાઇના ડોડા કલાત્મક રીતે તોરણની જેમ બાંધવામાં આવે છે. પ્રાકૃતિક નજારા સમુ આ ગામ રસ્તામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ગામનું નામ સેંજી છે તેની સાવ અડીને ભટોલી ગામ આવેલું હોવાથી બંને જોડિયા ગામને સૈજી ભટોલી તરીકે ઓળખવામાં આવે છે, જે મકાઈના ગામ તરીકે ફેમસ છે. મસૂરીના પ્રસિદ્ધ કેમ્પટી ફોલથી આ ગામ માંડ પ કિમી જેટલું દૂર છે.
યમનોત્રીથી તરફ જતા રસ્તા પર આ ગામ આવે છે. 400 લોકોની માત્ર વસ્તી 80 જેટલા ઘરના છાપરા અને દિવાલો પર મકાઈના ડોડા લટકતા મન મોહી લે છે. આ ગામના મોટા ભાગના ઘર દેવદાર વૃક્ષના મજબૂત લાકડાથી બનેલા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ઘરના દરવાજા, બારીઓ અને છાપરાની ખીંટીઓ પર મકાઇના દાણા સૂકાય તે માટે દોરીથી બાંધીને લટકાવાય છે. આ એક મકાઇના સારા બીજ તૈયાર કરવાની પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે. મકાઇના ડોડાની હારમાળા વિનાનું કોઇ ઘર જોવા મળતું નથી. ગામ લોકો ઘઉં,ચાવલ ઉપરાંત મકાઇની પણ ખેતી કરે છે એટલું જ નહી આ મકાઇના બીજ તૈયાર કરીને બહાર પણ મોકલાવે છે પ્રવાસીઓ આ ગામને માઇઝ વિલેજ નામ આપ્યું છે.