અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક: ઈસ્લામાબાદ સહિત અનેક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હવે યુદ્ધ જેવી સ્થિતિમાં પહોંચી ગયા હોય તેવું જણાય છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે શુક્રવારે પાકિસ્તાનના વિવિધ સૈન્ય મથકો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કાબુલ, કંધાર અને પક્તિયામાં કરવામાં આવેલી કથિત હવાઈ ઘૂસણખોરીના જવાબમાં કરવામાં આવી હોવાનું જણાવાયું છે. અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત નૌશેરા, જમરૂદ અને એબટાબાદ જેવા મહત્વના લશ્કરી વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
ઈસ્લામાબાદમાં હુમલો: પાકિસ્તાની આર્મી ચીફના સલાહકારનું મોત
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે લગભગ ૧૧ વાગ્યે અફઘાન વાયુસેનાએ ઇસ્લામાબાદના ફૈઝાબાદમાં આવેલા સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, આ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના સલાહકાર ‘આશિક’નું મોત નીપજ્યું છે. આ ઉપરાંત નૌશેરાની આર્મી કેન્ટોનમેન્ટ અને એબટાબાદના સૈન્ય ઠેકાણાઓ પર પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં પાકિસ્તાનના વધુ મોટા શહેરોને નિશાન બનાવવામાં આવશે.
પાકિસ્તાનનો વળતો પ્રહાર: ‘ઓપરેશન ગજબ લિલ હક’
અફઘાનિસ્તાનના આ હુમલા બાદ પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે હવે પાકિસ્તાનની ધીરજ ખૂટી ગઈ છે અને અફઘાનિસ્તાન સાથે ખુલ્લા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાનના હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ ‘ઓપરેશન ગજબ લિલ હક’ શરૂ કર્યું છે. પાકિસ્તાન સરકારના પ્રવક્તાએ દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં તાલિબાનના ૧૩૩ લડવૈયાઓ માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે, જોકે અફઘાનિસ્તાને આ આંકડાઓને નકારી કાઢ્યા છે.
સીમા પર તણાવ અને માનવીય સંકટ
બંને દેશો વચ્ચે સીમા પર થઈ રહેલી અથડામણને કારણે તોરખમ બોર્ડર પર રહેતા અફઘાન શરણાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ, ગયા વર્ષે લગભગ ૨૯ લાખ લોકો પાકિસ્તાન છોડીને અફઘાનિસ્તાન પરત ફર્યા હતા અને આ વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ છે. અગાઉ કતાર અને તુર્કીમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રયાસો થયા હતા, પરંતુ તાજેતરની એરસ્ટ્રાઈક બાદ હવે શાંતિની આશા ઓછી દેખાઈ રહી છે.

