કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જાહેર કરેલા 20 લાખ કરોડનાં આર્થિક પેકેજ અંગે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમે રાહત પેકેજ પર નિરાશા વ્યક્ત કરીએ છીએ અને સરકારને પ્રોત્સાહન પેકેજ પર પુનર્વિચારણા કરવા વિનંતી કરીએ છીએ. સરકારે જાહેર કરેલા રૂ.20 લાખ કરોડનાં આર્થિક પેકેજમાં ગરીબ, ખેડૂતો અને મજૂરોને અવગણવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે સોમવારે કહ્યું હતું કે, સરકારે તેનો પુનર્વિચાર કરવો જોઇએ અને 10 લાખ કરોડનાં વ્યાપક નાણાકીય પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવી જોઈએ. ભૂતપૂર્વ નાણાં પ્રધાને દાવો કર્યો હતો કે, સરકારે જાહેર કરેલા પેકેજમાં માત્ર 1,86,650 કરોડ રૂપિયાની નાણાકીય પ્રોત્સાહન રકમ છે જે ભારતનાં જીડીપીનાં માત્ર 0.91 ટકા છે. તેમણે પત્રકારોને કહ્યું કે, અમે નાણાં પ્રધાન દ્વારા જાહેર કરેલા પેકેજનું સંપૂર્ણ ધ્યાન સાથે વિશ્લેષણ કર્યું. અમે અર્થશાસ્ત્રીઓ સાથે વાત કરી.
અમારું માનવું છે કે તેમાં ફક્ત 1,86,650 કરોડ રૂપિયાનું આર્થિક પ્રોત્સાહન પેકેજ છે. ચિદમ્બરમનાં જણાવ્યાં મુજબ, આર્થિક પેકેજની ઘણી ઘોષણાઓ બજેટનો ભાગ છે અને ઘણી ઘોષણાઓ ધિરાણ પ્રણાલીનો ભાગ છે. તેમણે આરોપ લગાવ્યો કે 13 કરોડ સંવેદનશીલ પરિવારો, ખેડૂતો, મજૂરો અને બેરોજગાર લોકો સરકારનાં આર્થિક પેકેજથી છૂટી ગયા છે. પૂર્વ નાણાં પ્રધાને સરકારને આર્થિક પેકેજ પર ફરીથી વિચાર કરવા કહ્યુ છે, સાથે જીડીપીનાં 10 ટકા જેટલા નાણાકીય પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવાની વિનંતી કરી. આ 10 લાખ કરોડનું નાણાકીય પ્રોત્સાહન પેકેજ હોવું જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આક્ષેપ કર્યો છે કે, નાણા પ્રધાને જે પાંચ દિવસો સુધી ‘ધારાવાહિક’ થી દેશનાં ગરીબ, મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગનાં લોકો જ નિરાશા જ હાથ લાગી છે.