દેશવ્યાપી કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશમાં આવેલા ગાઝિયાબાદ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા હોય તેવા ફોટોગ્રાફ્સ સામે આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં ઘંટાઘર રામલીલા મેદાનમાં જમા થયેલી આ ભીડ શ્રમિકોની છે, તેઓને ઘરે જવા માટે ટ્રેન પકડવી હતી. અહીં ટ્રેનના રજિસ્ટ્રેશન માટે એકઠા થયેલા મજૂરો એકદમ પાસે ઊભેલા જોવા મળ્યા અને ત્યાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા ન હતી સાથે જ ત્યાં 500 મીટરના વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી હોવાની જાણકારી આરોગ્ય સેતુ એપ્લિકેશનથી મળી છે.
વિવિધ સ્થળોના પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવા માટે ઉત્તરપ્રદેશની સરકારે ટ્રેનની વ્યવસ્થા કરી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું પણ આ વાત ત્યાં કોઈ સાંભળવા જ તૈયાર નહોતું. અહીં જ્યારે આરોગ્ય સેતુ એપને ઓપરેટ કરતા જાણવા મળ્યું કે ત્યાં 500 મીટરના અંતરમાં કોરોના પોઝિટિવ દર્દી હાજર છે. તેવામાં ભીડમાં કોરોના વાયરસ ફેલાવાની પૂરી શક્યતાઓ રહેલી છે ત્યાં હાજર એક શ્રમિકે જણાવ્યું કે હાલ કામ નહીં હોવાને કારણે તે બિહાર પોતાના ઘરે પરત ફરવા માગે છે. તેણે કહ્યું કે કામ શરૂ થતા તે પરત આવશે.