ગાંધીનગર : કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન 4.0ની જાહેરાત કરાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા 17 મેના રોજ વિશેષ ગાઇડલાઇન્સ રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક છૂટછાટ માટે નિયમો બનાવવાને લઇ રાજ્ય સરકારને સત્તા સોંપી હતી. ત્યારે આજે (18 મે) ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નવા નિયમો અને છૂટછાટને લઇને ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં લોકડાઉન 4.0ને લઇ મુખ્યમંત્રી રૂપાણીએ નવા નિયમો અને છૂટછાટની જાહેરાત કરી છે. જે આવતીકાલ 19મી મે, મંગળવારથી અમલી બનશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ બે ભાગ પાડવામાં આવ્યા છે. કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન, જે કેસોને આધારે બદલતા રહેશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા શરુ રહેશે, સમય રહેશે સવારે 8 થી બપોરના 3 સુધીનો. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે. સમગ્ર ગુજરાતમાં સવારે 8થી બપોરે 3 આવશ્યક ચીજો જેવી શાક, ફળ, અનાજ, દૂધ, મેડિકલ વગેરેમાં છુટ રહશે. બાકીના વિસ્તારમાં બપોર 4 વાગ્યા સુધી અન્ય વેપારીક પ્રવૃ્તિને છુટ અપાશે. અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, આ રિક્ષામાં 2 મુસાફરોને માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ આપવામાં આવી છે. કોમ્પ્લેક્ષમાં દુકાનો ખુલશે તેમાં ઇવન અને ઓડ નંબર મુજબ દુકાન ખોલવામાં આવશે , જેમાં એક દુકાનમાં એક સમયે માત્ર 5 વ્યક્તિ જ અંદર રહેશે. આ ગાઇડલાઇન સાથે પાન – માવાની દુકાનને પણ ખુલી રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં હેર કટિંગ સલુન, બ્યુટીપાર્લરને ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. આ સાથે જ પબ્લિક લાયબ્રેરી ખુલી રખાશે. કેબ, ટેક્સીમાં ડ્રાઇવર પ્લસ બેને છુટ. ખાનગી ગાડીમાં ડ્રાઇવર પ્લસ બે વ્યક્તિને છૂટ. જોકે, પૂર્વ અમદાવાદમાં કેબ, ટેક્સીની સેવા બંધ રહેશે. હોમ ડિલિવરી માટે જ રેસ્ટોરન્ટને છુટ. ડિવિલરી બોય્ઝના હેલ્થ કાર્ડ લેવાના રહેશે.
ગુજરાતમાં હાઇવે ઉપર રેસ્ટોરન્ટ્સ, ઢાબાને સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે ખુલ્લી રખાશે. કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓફિસને 50 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રખાશે. તમામ ગેરેજ, વર્ક્સશોપને ખોલી શાકાશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ બેસી શકશે.
નોંધનીય છે કે, અમદાવાદમાં પૂર્વ ભાગમાં કોઇ છુટછાટ નહીં. અમદાવાદમાં એસટી બસને આવવા જવા દેવાશે નહીં. રાજ્યના બાકીના ભાગમાં એસટી બસ સેવા દોડશે. લગ્ન સમારંભ 50થી વધારે લોકોને એકત્ર થવા માટે મંજૂરી નહીં. અંતિમ સંસ્કાર માટે 20 જણાથી વધારે એકત્ર થઇ શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર બહાર દુકાનો ખુલશે પણ પાન બિડી માવા બધાને છુટ મળશે, પણ પાનમાવાની દુકાનો પર લોકોને એકઠા થવા માટે પ્રતિબંધ રહેશે. કાપડ ઉદ્યોગ શરૂ થશે. કાપડ માર્કેટ, લુમ્સ વગેરે શહેર અને જિલ્લામાં શરૂ કરાશે.
શું બંધ રહેશે ?
રાજ્યમાં શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ, જીમ, સ્વીમિંગ પુલ, શોપિંગ મોલ્સ, સિનેમાગૃહ, જાહેર સમારંભો, ધાર્મિક કાર્યક્રમો વગેરે રાજ્યભરમાં પ્રતિબંધિત રહેશે. હાલ આવશ્યક ચીજવસ્તઓ સિવાયના ફેરિયા, સિટી બસ સેવા, ખાનગી બસ સેવાને મંજૂરી મળશે નહીં. રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 19 મેથી 31 મે સુધી આ બધી છુટછાટ લાગુ રહેશે. કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટન્ટ વિસ્તારમાં બીજા તબક્કાની જાહેરાત 31મે પહેલાં જાહેર થશે. હાલ અમદાવાદ અને સુરતમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે જોકે, કન્ટેન્ટેમેન્ટ વિસ્તારમાં કયો ભાગ રહેશે એની જાહેરાત હવે થશે.કન્ટેન્ટમેન્ટમાં આવશ્યક ચીજવસ્તુઓની હાલની સ્થિતિ યથાવત રહેશે, પણ આ ઝોનની યાદી ફેરફાર થતી રહેશે. આ સાથે જ રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી નાઈટ કરફ્યુ અમલી રહેશે.