રસ્તા પર જ નહીં, હવે આકાશમાં પણ દોડશે ટેક્સી! જાણો ક્યાં શરૂ થઈ રહી છે Uber Air Taxi અને કેવી રીતે થશે બુકિંગ
દુનિયાના સૌથી આધુનિક શહેરોમાં જેની ગણના થાય છે તે દુબઈ હવે ટ્રાફિકની સમસ્યાનો એક અનોખો ઉકેલ લાવવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ દુબઈના આકાશમાં ઉડતી ટેક્સીઓ જોવા મળશે. હવે લોકો પોતાની સામાન્ય Uber એપ દ્વારા જ રસ્તા પર ચાલતી કેબની જેમ હવામાં ઉડતી ‘એર ટેક્સી’ બુક કરી શકશે. આ સુવિધાને કારણે કલાકોનો ટ્રાફિક મિનિટોમાં કપાઈ જશે.
વર્ષના અંત સુધીમાં સેવાનો પ્રારંભ
દુબઈ આ વર્ષના અંત સુધીમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરવા માટે સજ્જ છે. આ સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના માટે કોઈ અલગ એપ્લિકેશનની જરૂર નહીં પડે. તમારી જાણીતી Uber એપમાં જ રોડ ટેક્સીની સાથે એર ટેક્સીનો વિકલ્પ જોવા મળશે. શહેરની પરિવહન વ્યવસ્થાને એક નવું રૂપ આપવા માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે.
એપ દ્વારા કેવી રીતે થશે બુકિંગ?
એર ટેક્સી બુક કરવાની પ્રક્રિયા અત્યંત સરળ હશે. જ્યારે તમે એપમાં તમારું ગંતવ્ય સ્થાન (Destination) નાખશો, ત્યારે જો તે રૂટ પર હવાઈ મુસાફરી ઉપલબ્ધ હશે, તો એપ જાતે જ ‘એર ટેક્સી’નો વિકલ્પ બતાવશે.
- એક જ ટિકિટમાં આખી મુસાફરી: તમારી બુકિંગમાં પહેલા તમને રોડ માર્ગે ટેક-ઓફ પોઈન્ટ (વર્ટિપોર્ટ) સુધી લઈ જવામાં આવશે.
- હવાઈ સફર: ત્યાંથી એર ટેક્સી તમને ઉડાન ભરીને નિર્ધારિત સ્થળની નજીક ઉતારશે.
- છેલ્લું સ્ટોપ: લેન્ડિંગ પોઈન્ટથી ફરી એક કાર તમને તમારા ચોક્કસ લોકેશન સુધી પહોંચાડશે. આમ, એક જ બુકિંગમાં રસ્તો અને આકાશ બંનેનો પ્રવાસ પૂરો થશે.
ટેક્સીની ખાસિયતો અને ઝડપ
આ એર ટેક્સી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક હશે અને પર્યાવરણને અનુકૂળ હશે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
- ક્ષમતા: એક ટેક્સીમાં ચાર મુસાફરો બેસી શકશે અને દરેક ઉડાન માટે એક લાયસન્સ ધરાવતો કોમર્શિયલ પાયલોટ હાજર હશે.
- ડિઝાઇન: આ એક eVTOL (ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ) એરક્રાફ્ટ છે, જે સીધું ઉપર ઉડી શકે છે અને નીચે ઉતરી શકે છે. તેમાં છ પ્રોપેલર લગાવવામાં આવ્યા છે જે તેને સુરક્ષિત રાખે છે.
- સ્પીડ અને રેન્જ: આ ટેક્સીની મહત્તમ ઝડપ અંદાજે 321 કિલોમીટર પ્રતિ કલાક હશે. એકવાર ચાર્જ થયા પછી તે લગભગ 160 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે.
ભવિષ્યનું પરિવહન
દુબઈની આ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી ભીડભાડવાળા વિસ્તારોમાં પ્રવાસ કરવો ઘણો સરળ બની જશે. વર્ષોથી જે ‘અર્બન એર મોબિલિટી’ પર કામ ચાલી રહ્યું હતું તે હવે હકીકત બનવા જઈ રહ્યું છે. જો દુબઈનો આ પ્રયોગ સફળ રહેશે, તો ભવિષ્યમાં વિશ્વના અન્ય મોટા શહેરોમાં પણ આ પ્રકારનીઆકાશી ટેક્સીઓ જોવા મળી શકે છે.

