કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરવી એ મેડિકલ સ્ટાફ માટે કોઈ જોખમથી ઓછું નથી. કોરોના વોરિયર્સનું સુરક્ષા કવચ એટલે પ્રોટેક્ટિવ સુટ પહેરનારને દર કલાકે દોઢ લિટર પરસેવો થાય છે. રશિયાના ટુલા શહેરની એક નર્સે અસહ્ય ગરમી અને પરસેવાથી બચવાનો આઈડિયા વિચારી લીધો છે તે પ્રોટેક્ટિવ સુટની નીચે બિકીની પહેરીને કામ કરી રહી છે. આ નર્સ તેના આઈડિયાને લીધે તે રાતોરાત ઓનલાઇન સેન્સેશન બની ગઈ છે. નર્સે બિકીનીની ઉપર ટ્રાન્સપરન્ટ પ્રોટેક્ટિવ સુટ, ગ્લવ્ઝ અને ગોગલ્સ પહેર્યા છે.
મંગળવારે આ ફોટો ટ્વિટર યુઝરે શેર કર્યો છે, તે પછી પોસ્ટ પર નેગેટિવ અને પોઝિટિવ કમેન્ટનો ઢગલો થઇ ગયો છે. આ ફોટો ટુલા શહેરની હોસ્પિટલનો છે. ફોટો શેર કરનાર યુઝરે કહ્યું કે, આ નર્સે કપડાં ના પહેરવાનું નક્કી કર્યું કારણકે તેને કપડાંની ઉપર પ્રોટેક્ટિવ સુટ પહેરવાથી ગરમી લાગતી હતી. આખો દિવસ તે આ ગરમીમાં કામ કરી શકે તે શક્ય નહોતું. જોતજોતામાં તો આ સ્ટોરી રશિયાની હેડલાઈન બની ગઈ. આ નર્સે લોકલ મીડિયાનું પણ ધ્યાન ખેચ્યું. તો બીજી તરફ રીજનલ હેલ્થ મિનિસ્ટ્રીને નર્સનું આ કામ ગમ્યું નથી. તેમણે કહ્યું કે, નર્સે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે. કર્મચારીઓને સેનિટરી કપડાં માટેની આવશ્યકતાઓનું પાલન કરવાની જરૂરિયાતોની યાદી આપી હતી.