નવી દિલ્લી: રિઝર્વ બેંક ઓફ ઈંડિયા એક રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ નોટ ભારત સરકારના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાશે. આ સાથે જ હાલમાં ચલણમાં રહેલી એક રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે. યુપીએ સરકારે નાના દરની ચલણી નોટ છાપવાનું બંધ કર્યુ હતું અને તેના બદલે ચલણી સિક્કાઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યુ હતું. એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા અને નાના દરની નોટ ધીમે ધીમે બજારમાં દેખાતી બંધ થઈ ગઈ હતી.
જો કે હવે રિઝર્વ બેંકે ફરીથી એક રૂપિયાના દરની નોટ ચલણમાં મુકવાનું નક્કી કર્યુ છે. નીતિમાં આ પરિવર્તનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એક રૂપિયાની નવી નોટ ચલણમાં આવતા લોકોને હાથમાં નવી ચલણી નોટ જોવા મળશે.