જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક વિજય! જાણો કેવી રીતે કર્ણાટક જેવી મજબૂત ટીમને હરાવી પહેલીવાર ટ્રોફી કરી કબજે

3 Min Read

ઐતિહાસિક ક્ષણ: જમ્મુ-કાશ્મીરે રચ્યો ઈતિહાસ, કર્ણાટકને મ્હાત આપી પ્રથમવાર રણજી ટ્રોફી પર જમાવ્યો કબજો

ભારતીય ઘરેલું ક્રિકેટના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. રણજી ટ્રોફી એલીટ 2025-26ની રોમાંચક ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરે (J&K) દિગ્ગજ ટીમ કર્ણાટકને પરાજય આપીને પ્રથમ વખત રણજી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. હુબલીના કેએસસીએ (KSCA) ગ્રાઉન્ડ પર રમાયેલી આ ખિતાબી જંગમાં જમ્મુ-કાશ્મીરે પ્રથમ ઇનિંગની લીડના આધારે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પોતાની પ્રથમ ફાઇનલમાં જ ટાઇટલ જીતનારી જમ્મુ-કાશ્મીર રણજી ઈતિહાસની માત્ર નવમી ટીમ બની ગઈ છે.

ફાઈનલનો ઘટનાક્રમ: J&K નો સંપૂર્ણ દબદબો

હુબલીના મેદાન પર રમાયેલા આ પાંચ દિવસીય મુકાબલામાં જમ્મુ-કાશ્મીરે શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત રાખી હતી. પ્રથમ બેટિંગ કરતા J&K એ સ્કોર બોર્ડ પર 584 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો, જેણે કર્ણાટક પર માનસિક દબાણ સર્જ્યું હતું.

- Advertisement -

jmu.jpg

કર્ણાટકનો સંઘર્ષ: જવાબમાં કર્ણાટકની પ્રથમ ઇનિંગ માત્ર 293 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન મયંક અગ્રવાલે એક છેડો સાચવી રાખી 160 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન લાંબુ ટકી શક્યો નહોતો. કર્ણાટકની ટીમ પ્રથમ ઇનિંગમાં 291 રનથી પાછળ રહી ગઈ હતી, જે હારનું મુખ્ય કારણ બન્યું.

- Advertisement -

બીજી ઇનિંગમાં બેટિંગનું પ્રદર્શન: પાંચમા અને અંતિમ દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઇનિંગમાં પણ શાનદાર બેટિંગ કરી 4 વિકેટે 342 રન બનાવ્યા હતા. સલામી બેટ્સમેન કમરાન ઇકબાલ અને સાહિલ લોત્રાએ સદી ફટકારીને કર્ણાટકની વાપસીની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અંતે 550 રનથી વધુની લીડ સાથે મેચ ડ્રો જાહેર કરવામાં આવી અને પ્રથમ ઇનિંગની લીડના નિયમ મુજબ J&K ને વિજેતા જાહેર કરાઈ.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ઉપસ્થિતિ અને ઉત્સાહ

આ ઐતિહાસિક જીતના સાક્ષી બનવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ખાસ હુબલી પહોંચ્યા હતા. મેચના અંતિમ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારતા CM અબ્દુલ્લાએ જીત બાદ ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિજયી ક્ષણોનો વીડિયો શેર કરતા આ જીતને પ્રદેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.

jmu11.jpg

રેકોર્ડ બુકમાં નોંધાયું જમ્મુ-કાશ્મીરનું નામ

રણજી ટ્રોફીના ઈતિહાસમાં પોતાની પ્રથમ ફાઈનલમાં પહોંચીને જ ખિતાબ જીતનારી ટીમોની યાદીમાં હવે જમ્મુ-કાશ્મીરનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ યાદી નીચે મુજબ છે:

- Advertisement -
ટીમ વર્ષ
બોમ્બે 1934–35
નવાનગર 1936–37
હૈદરાબાદ 1937–38
મહારાષ્ટ્ર 1939–40
બરોડા 1942–43
કર્ણાટક 1973–74
પંજાબ 1992–93
વિદર્ભ 2017–18
જમ્મુ-કાશ્મીર 2025-26

ક્રિકેટ જગતમાં પ્રશંસા

આ જીત માત્ર એક ટ્રોફી નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટના વધતા સ્તર અને સુવિધાઓનું પરિણામ છે. ભૂતકાળમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલી આ ટીમે સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને નિશ્ચય હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. ઈરફાન પઠાણ જેવા પૂર્વ ક્રિકેટરો, જેમણે આ ટીમના મેન્ટર તરીકે સેવા આપી છે, તેમણે પણ આ સફળતાને બિરદાવી છે.

Share This Article