સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ જમીન, ગામતળ અને ૭/૧૨ સુધારાના પ્રશ્નો પર કલેક્ટરશ્રીનું માર્ગદર્શન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સીધો ઉકેલ લાવવાનો હતો. છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત આ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્ય જનતા માટે મુશ્કેલીના સમયે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
જમીન દબાણ અને મહેસૂલી પ્રશ્નો અંગે થઈ રજૂઆતો
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૭ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે જમીન પર થયેલા દબાણો દૂર કરવા, ગામતળમાં પ્લોટની ફાળવણી કરવી તેમજ જમીનના ૭/૧૨ના ઉતારામાં રહેલી નામોની ભૂલો સુધારવા જેવા મહેસૂલી વિષયો પર અરજદારોએ પોતાની રજૂઆતો કરી હતી. કલેક્ટરશ્રીએ દરેક અરજદારની વાત શાંતિથી સાંભળીને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અધિકારીઓને પ્રશ્નોના ઝડપી નિકાલ માટે અપાયા આદેશો
કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે લોકોના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળી તેનો ઝડપી નિકાલ લાવવો. વહીવટી તંત્રના અધિકારીઓએ પ્રજાના કામોમાં વિલંબ ન થાય તે દિશામાં સક્રિય કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, તાલુકા વિકાસ અધિકારીઓ અને અન્ય વિભાગીય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
