કોરોના વાયરસને લઈને દુનિયા આખી માંથી ચીન વિરૂદ્ધ અવાજ ઉઠવા લાગ્યા છે ત્યારે જ ચીનની સરકારની સૌથી ઉંચી રાજનૈતિક સલાહકાર સંસ્થા CPPCC એટલે કે ચાઈનીઝ પીપલ્સ પોલિટિકલ કંસલ્ટેટિવ કોન્ફરન્સની મહત્વી વાર્ષિક બેઠક આજે 21 મે થી 27 મે દરમિયાન બેઈજીંગમાં યોજાવવા જઈ રહી છે. કોરોના સંકટ દરમિયાન જ યોજાવવા જઈ રહેલી ચીનની આ સૌથી મોટી રાજકીય બેઠક છે. આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણય પર દુનિયાભરની નજર રહે છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે, બેઠકમાં જિનપિંગના ટોટલ કંટ્રોલ વિરૂદ્ધ જ અવાજ ઉઠવા જઈ રહ્યો છે. અવાજ ઉઠાવનારાઓમાં કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો અને ચીનની શક્તિશાળી સેનાના કેટલાક પૂર્વ અધિકારીઓ શામેલ હશે. આ ઉપરાંત ચીનના કોરોના પાપને લઈને પણ અવાજ ઉઠાવનારાઓ વિરૂદ્ધ જે ક્રુરતા કરવામાં આવી રહી છે તેને લઈને નારાજગી પણ છે.
જિનપિંગ વિરૂદ્ધ વિદ્રોહની શરૂઆત?
ચીન પર એકહથ્થુ શાસન કરનારા શી જિનપિંગની સત્તા વિરૂદ્ધ હવે મોટા પાયે એકસાથે વિરોધી અવાજ ઉઠવા લાગે તેવી શક્યતા છે. તેના કેટલાક કારણ છે. જેમાંનુ એક છે બે વર્ષ પહેલા2018માં ચીનની સંસદના કાર્યકાળને સમાપ્ત કરી દેવો. એટલે કે જિનપિંગ જીવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહી શકે તેવો અધિકાર. જેથી અનેક નેતાઓના પત્તા હંમેશા માટે કપાઈ ગયા છે. જેથી હવે કેટલાક એવા પણ લોકો છે જે જિનપિંગના આ નિર્ણય વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.
હવે કોરોના વાયરસની સ્થિતિનો લાભ લઈને જિનપિંગ વિરૂદ્ધ અવાજ બુલંદ કરવાના પ્રયાસોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ઘણા એવા સભ્યો અને કાર્યકર્તાઓ વન મેન રૂલ્સ નથી ઈચ્છતા. CPPCC અને NPC એટલે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં આવનારા 7000 પ્રતિનિધિઓનું પણ સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચીનની શક્તિશાળી પીપલ્સ લિબરેશન આર્મીના પણ કેટલાક નિવૃત્ત અધિકારીઓ પણ આ પ્લાનમાં સાથ આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓના સંગઠનો, બુદ્ધીજીવીઓનો પણ સાથ છે. તેમાં પણ કોરોના મામલે ચીન જે રીતે દુનિયા આખીને અંધારામાં રાખી રહ્યું છે અને દુનિયા આખી તેને આ મહામારી અને ભિષણ ખુવારી માટે જવાબદાર માની રહ્યું છે ત્યારે ચીનની અંદરથી પણ જિનપિંગ વિરૂદ્ધ અવાજ ઉઠવા લાગ્યો છે.
ચીનના કોરોના પાપનો ખુલાસો કરનારા ડોક્ટરનું રહસ્યમય મોતની લઈને પણ લોકોમાં ભારે નારાજગી છે. સોશિયલ મીડિયા પર કોરોના વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ જિનપિંગ વિરૂદ્ધ ભારોભાર રોષ છે. કોરોનાને લઈને ચીન જે રીતે દુનિયાથી અલગ થઈ રહ્યું છે અને અમેરિકા જેવી મહાશક્તિ અને ભારત સામે અકારણ શિંગડા ભરાવી રહ્યું છે તેને લઈને ચીનમાં લોકો ભારે ચિંતિત છે. હવે દુનિયાભરની કંપનીઓ ચીનમાંથી ઉછાળા ભરી રહી છે અને ચીનના માલ સામાનનો બહિષ્કાર કરી રહી છે તેને લઈને ભવિષ્યમાં ભયંકર બેરોજગારી ઉભી થાય તેવી શક્યતા છે. રોજગારીની સમસ્યા તો આજે પણ છે જ. છેલ્લા બે વર્ષમાં જ બેરોજગારીનો આંકડો 2 કરોડથી વધીને 7 થી 8 કરોડ સુધી પહોંચી ગયો છે.